વડોદરામાં પરણિતાએ પગમાં સુસાઈડ નોટ લખી આપઘાત કર્યો, સાસરિયાઓના ત્રાસે લીધો જીવ
વડોદરામાં રિલાયન્સ ટાઉનશિપમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ઈજનેર સુધીરકુમાર સામે તેની પત્નીને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે
વડોદરામાં એક પરણિતાએ સાસરિયાઓના ત્રાસથી ત્રાસીને પોતાની જાતે જ પોતાનો જીવનદીપ બુઝાવી દીધો છે. પરણિતાએ આપઘાત કરતા પહેલા પગ પર સુસાઈડ નોટ લખી હતી. લગ્નના ત્રણ વર્ષમાં જ પ્લોટ ખરીદવા માટે પિયરમાંથી 2 લાખ લાવવાનું કહીને પતિ સહીતના સાસરિયા દ્વારા ત્રાસ ગુજારવાના મામલે પરણિતાએ 8 માસની બાળકી પાડોશીને સોંપીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
મહિલાએ ગળે ફાંસો ખાતા પહેલા ડાબા પગમાં પેનથી સુસાઈડ નોટ લખી અને જણાવ્યું કે મેં જા રહી હું દુનિયા સે, પતિ અપને ઘરવાલો કો ખુશ રખે મેં સહન નહીં કર પાઈ પિટાઈ.
વડોદરામાં રિલાયન્સ ટાઉનશિપમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના ઈજનેર સુધીરકુમાર સામે તેની પત્નીને આપઘાત માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે. જૂન-2023માં લગ્ન કરનારા આ યુગલને 8 માસની પુત્રી છે. પ્લોટ ખરીદવા માટે સુધીરે પિયરતી 2 લાખ રૂપિયા લાવવા માટે પત્ની પર માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. આ અગાઉ તેની પાસે 50 હજાર રૂપિયા માંગ્યા હતા. સાસુ-સસરા પણ તેના પુત્રને ઉશ્કેરતા હતા.

પતિએ તેની પત્નીના ફોનમાંથી પરિવારના તમામ સભ્યોના નંબર બ્લોક કરી દીધા હતા. જેથી પિયરમાં કોઈ સાથે તે વાત કરી શકે નહીં. 8 ઓગસ્ટે બોલાચાલી દરમિયાન સુધીરનો ફોન તૂટી જતા, સાળાને ધમકી ભરેલો મેસેજ કર્યો કે તમારી બહેનને કહેજો કે ફોન રિપેર કરાવી આપે, નહીંતર જાનથી મારી નાખીશ.
9 ઓગસ્ટે સવારે પતિ ફોન રિપેર કરાવવા બહાર ગયો ત્યારે પરણિતાએ તેની 8 માસની બાળકી પાડોશીને સાચવવા આપી હતી. અડધો કલાક બાદ પાડોશી ઘરે આવ્યા, ત્યારે મહિલા ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ મામલે હવે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.