કેજરીવાલ-ભગવંત માને AAP MLA ચૈતર વસાવા સાથે કરી મુલાકાત, વડોદરા સેન્ટ્રલ જેલમાં પહોંચી કરી ચર્ચા
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મી પર હુમલાના કેસમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે
દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના પ્રવર્તમાન મુખ્યમંત્રી ભગવંત માન આજે વડોદરાની મુલાકાતે આવ્યા છે. બંને નેતાઓએ બપોરે 2 વાગ્યે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે જેલમાં બંધ ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે મુલાકાત કરી છે.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મી પર હુમલાના કેસમાં હાલ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે. આ જેલવાસને લઈને આમ આદમી પાર્ટીએ અગાઉ સરકાર સામે અનેક પ્રશ્નો ઉઠાવ્યા છે. હવે કેજરીવાલ અને ભગવંત માનની જેલમાં થયેલી ચૈતર વસાવા સાથેની મુલાકાત રાજકીય રીતે મહત્ત્વપૂર્ણ મનાઈ રહી છે.
આમ આદમી પાર્ટીના બંને ટોચના નેતાઓએ ચૈતર વસાવા સાથેની મુલાકાતમાં તેમની સ્થિતિની જાણકારી મેળવી હતી. આખા કેસની હાલની સ્થિતિ અને આગળની કાર્યવાહી અંગે પણ ચર્ચા થઈ હતી. ચૈતર વસાવાની સાથેની આ મુલાકાતને આમ આદમી પાર્ટીના સંગઠન અને રાજકીય દ્રષ્ટિકોણથી મહત્ત્વની માનવામાં આવે છે. સૂત્રોને ટાંકીને જણાવાય છે કે આગામી દિવસોમાં ચૈતર વસાવા સામેના કેસને લઈને કઈ કાયાદકીય કાર્યવાહી કરાશે અને રાજકીય રીતે કઈ રણનીતિ અખત્યાર કરાશે, તેની ચર્ચા પણ કરાઈ છે.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની વડોદરા સેન્ટ્રલ જેલની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી.