વડોદારની માંજલપુર પેટાચૂંટણીમાં ભાજપ-કૉંગ્રેસના કાર્યકરો ઝઘડયા, પંચશીલ વિદ્યાલય બહાર ઘર્ષણ
ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગરાં અને પક્ષનો કેસરિયો ખેસ પહેરીને પ્રચાર કરવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોની આવી હકતને આદર્શ આચારસંહિતાનો ખુલ્લો ભંગ ગણાવ્યો હતો
વડોદરાની 145 માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી દરમિયાન સવારથી મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે પંચશીલ વિદ્યાલય ખાતેના મતદાન કેન્દ્ર નજીક ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. આ મામલામાં પોલીસે કૉંગ્રેસના વોર્ડ પ્રમુખની અટકાયત પણ કરી હતી.
ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ-નગરાં અને પક્ષનો કેસરિયો ખેસ પહેરીને પ્રચાર કરવાના મુદ્દે કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ ભાજપના કાર્યકરોની આવી હકતને આદર્શ આચારસંહિતાનો ખુલ્લો ભંગ ગણાવ્યો હતો.
તેના પછી બંને પક્ષોના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ અને તે ધક્કામુક્કી બાદ મારામારીમાં ફેરવાઈ હતી.
બીજી તરફ ભાજપ દ્વારા આરોપ લગાવાયો છે કે કોંગ્રેસના કાર્યકરોએ કાયદો હાથમાં લઈને મારામારી કરી હતી અને મતદાન કેન્દ્ર પર બુથ કેપ્ચરિંગની કોશશ કરી હતી. કોંગ્રેસને ભાજપના આરોપોને ફગાવતા વળતો વાકપ્રહાર કરતા કહ્યુ છે કે ભાજપે ચૂંટણી નિયમોના ધજાગરા ઉડાડીને મતદાન મથક નજીક ઢોલ-નગારા સાથે પ્રચાર કરીને મતદાતાઓને પ્રભાવિત કરવાનો ગેરકાયદેસરનો પ્રયાસ કર્યો હતો. જેનો તેમના કાર્યકરોએ વિરોધ કર્યો હતો.
આ ઘર્ષણ બાદ મતદાન મથકની બહાર અફરાતફરીનો માહોલ હતો. સ્થિતિ વણસે નહીં તેની તકેદારીના ભાગરૂપે પોલીસ અને સુરક્ષાદળોનો કાફલો ખડકી દેવાયો હતો.