AAPના MLA ચૈતર વસાવાનો જેલવાસ યથાવત, બંને જામીન અરજી HCએ કરી નામંજૂર
2023માં વન વિભાગના કર્મચારી સાથે ઘર્ષણ થતાં તેના પર હુમલો કરવો અને માર મારવાનો ગંભીર આરોપ ચૈતર વસાવા પર લાગ્યો હતો
આદિવાસી સમાજના નેતા અને ડેડિયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ હાલ યથાવત રહેશે. ગુજરાત હાઈકોર્ટે ચૈતર વસાવા તરફથી દાખલ કરવામાં આવેલી બંને જામીન અરજીને નામંજૂર કરી છે અને ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખતા ચૈતર વસાવાનો જેલવાસ યથાવત રહ્યો છે.
ચૈતર વસાવા વન વિભાગના કર્મચારીને માર મારવાના કેસમાં સજા કાપી રહ્યા છે. તેમના પર વનકર્મીને માર મારવા અને ખંડણી વસૂલવા સહીતના ગંભીર આરોપો હેઠળ નીચલી સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કરીને જેલની સજા ફટકારી હતી.
2023માં વન વિભાગના કર્મચારી સાથે ઘર્ષણ થતાં તેના પર હુમલો કરવો અને માર મારવાનો ગંભીર આરોપ ચૈતર વસાવા પર લાગ્યો હતો. આ કેસમાં નર્મદા ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની શકુંતલા વસાવા સહીતના 9 લોકોને દોષિત જાહેર કર્યા હતા.
નર્મદાની સેશન્સ કોર્ટે આ મામલામાં ચૈતર વસાવાને 7 વર્ષની આકરી કેદની સજા ફટકારી હતી. આ ચુકાદાના પગલે છેલ્લા બે માસ કરતાં વધુ સમયથી ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે.
ચૈતર વસાવાને જેલમુક્ત કરાવવા માટેની આમ આદમી પાર્ટીની લીગલ ટીમની કોશિશો વચ્ચે પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને તેમની સાથે વડોદરા સેન્ટ્રલ જેલમાં 10મી ઓગસ્ટે મુલાકાત કરી હતી.