અમદાવાદના ઘુમામાં ફરીથી દીપડો દેખાયો, સવારે 6.05 વાગ્યે ગ્રીન સિટી વિસ્તારમાં દીધી દેખા
સીસીટીવી ફૂટેજમાં દીપડો ગેરેજમાં ઉભેલી ગાડીઓની નીચેથી બહાર આવતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ આસપાસના રહેવાસીઓએ સતર્કતા વધારી છે અને વહેલી સવારે તેમજ મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
અમદાવાદના ઘુમા વિસ્તારમાં ફરી એકવાર દીપડાએ દેખા દીધી હોવાનો ખુલાસો થયો છે. દીપડો સવારે 6.05 વાગ્યે શરણદીપ સોસાયટીની પાછળ આવેલા ગ્રીન સિટી વિસ્તારમાં જોવા મળ્યો છે. આ સીસીટીવી ફૂટેજમાં દીપડો ગેરેજમાં ઉભેલી ગાડીઓની નીચેથી બહાર આવતો જોવા મળે છે. આ વીડિયો સામે આવ્યા બાદ આસપાસના રહેવાસીઓએ સતર્કતા વધારી છે અને વહેલી સવારે તેમજ મોડી રાત્રે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.
ગ્રીન સીટી વિસ્તારમાં અંદાજે 900 જેટલા પ્લોટ્સ આવેલા છે. મોટાભાગના પ્લોટ્સ હાલ ખાલી હોવાથી અહીં ઝાડી-ઝાંખરા વધુ છે. જેને કારણે દીપડા જેવા જંગલી જનાવરને અહીં છુપાવવાની અને અવરજવર કરવાની પુરતી જગ્યા મળી રહે છે.
સ્થાનિકો પ્રમાણે, દીપડો છેલ્લા બે દિવસથી ગ્રીન સિટી અને શરણદીપ સોસાયટી વચ્ચે જ આવનજાવન કરી ર્હોય છે. જેના કારણે લોકોમાં ફફડાટ છે.
આ પહેલા સોમવારે શરણદીપ સોસાયટીના સીસીટીવી ફૂટેજમાં રવિવાર-સોમવાર દરમિયાનની રાત્રિના 2 વાગ્યે દીપડો જોવા મળ્યો હતો. તેના પછી ચાંદખેડાના ઝુંડાલ સર્કલ પાસે દીપડો રોડ ક્રોસ કરતો હોય તેવા ફોટોગ્રાફ પણ વાઈરલ થયા હતા.
બીજી તરફ સોશયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા ફૂટેજના દાવાઓ અને વાસ્તવિકતા વચ્ચે પણ અંતર છે. હાલની ઉપલબ્ધ માહિતી મુજબ, ચાંદખેડામાં દીપડો પાંજરે પુરાયાના થઈ રહેલા દાવાઓ સાચા નથી. હાલમાં ગ્રીન સિટી વિસ્તારમાં સીસીટીવીમાં દીપડાની હિલચાલ જોવા મળી છે.