ગુજરાતના 22 ડેમ હાઈ એલર્ટ પર, સરદાર સરોવર નર્મદા ડેમ 73 ટકા ભરાયો
ગુજરાતના જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 73 ટકા જેટલો થયો છે
ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ સર્વત્ર ધમાકેદાર બેટિંગ કરી છે અને રાજ્યના અનેક વિસ્તારોમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે ભારે તારાજી સર્જી છે.
ભારે વરસાદના કારણે રાજ્યના 14 ડેમો 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે 22 ડેમ અત્યારે હાઈ એલર્ટ પર છે. 6 ડેમને એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
ગુજરાતના જીવાદોરી સમા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીનો કુલ સંગ્રહ 73 ટકા જેટલો થયો છે.
છેલ્લા 24 કલાકમાં સુરતના અંબિકા તાલુકામાં સૌથી વધુ 24 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો ડોલવણમાં 16.23, વસોમાં 16.38, વાસંદામાં 16.26, ઉમરપાડમાં 14. 69 ઇંચ વરસાદ નોંધાયો છે. તો નડિયાદમાં 13.43, નેત્રંગમાં 13. 43, ધરમુપરમાં 11 ઇંચ, વઘઇમાં 10.94 ઇંચ વરસાદ પડ્યો છે. તો પેટલાદ, સોજિત્રા અને બોરસદમાં 9 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે ઓલપાડ, તારાપુર અને નવસારીમાં 8 ઇંચ વરસાદ વરસ્યો છે. રાજયમાં સિઝનનો સરેરાશ વરસાદ 61.50 ટકા થયો છે.
ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.