ગિરનારની નવી સીડીના 50મા પગથિયા નજીક 3 સિંહોની લટાર, યાત્રાળુઓ રાખે સાવધાની
જૂનાગઢના ગિરનારની નવી સીડીના 50મા પગથિયા પાસે ખેડા જિલ્લાના મયૂર ચૌહાણ નામના 11 વર્ષીય સગીર પર 11 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે સિંહે હુમલો કર્યો હતો. આ સગીરને સિંહ જંગલ તરફ ખેંચી ગયો હતો. તેને બચાવી શકાયો ન હતો. બાદમાં હુમલો કરનાર સિંહને પકડીને વનવિભાગે પાંજરે પૂર્યો હતો
ગત રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ જૂનાગઢના ગિરનારની નવી સીડીના આશરે 50મા પગથિયા નજીક 3 નર એશિયાટિક સિંહોની હાજરી નોંધાઈ છે. ગુજરાતના વન મંત્રી અર્જૂન મોઢવાડિયાએ સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને આની માહિતી આપી છે અને એક વીડિયો પણ શેયર કર્યો છે.
તેમણે પોતાની એક્સ પોસ્ટમાં જણાવ્યું છે કે વન્યજીવ સંરક્ષણ અને જનસુરક્ષા બંને અમારી પ્રાથમિકતા છે. તેમણે જણાવ્યું છે કે જૂનાગઢ વનવિભાગની ટીમે સિંહોની હિલચાલ પર સતત નજર રાખીને સુનિશ્ચિત કર્યું હતું કે તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ થાય નહીં, તેમ જ ગિરનાર આવતા યાત્રાળુઓની સુરક્ષા પણ અખંડિત રહે. વન વિભાગની સતર્કતા, તાલીમબદ્ધ કામગીરી અને ઝડપી પ્રતિસાદના પરિણામે ત્રણેય નર સિંહોને સુરક્ષિત રીતે ગિરનારની સીડીઓના વિસ્તારને પાર કરાવીને તેમના કુદરતી આવાસ તરફ રવાના કરવામાં આવ્યા હતા.
વન મંત્રી અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યુ છે કે વન વિભાગ વન્ય જીવ સંરક્ષણ અને માનવ સુરક્ષા વચ્ચેનું સંતુલન જાળવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. ગીર અને ગિરનારનું સમૃદ્ધ જૈવ વૈવિધ્ય આપણું ગૌરવ છે અને તેનું સંરક્ષણ એ આપણા સૌની સામુહિક જવાબદારી છે.
મહત્ત્વપૂર્ણ છે કે જૂનાગઢના ગિરનારની નવી સીડીના 50મા પગથિયા પાસે ખેડા જિલ્લાના મયૂર ચૌહાણ નામના 11 વર્ષીય સગીર પર 11 જુલાઈ, 2026ના રોજ વહેલી સવારે સિંહે હુમલો કર્યો હતો. આ સગીરને સિંહ જંગલ તરફ ખેંચી ગયો હતો. તેને બચાવી શકાયો ન હતો. બાદમાં હુમલો કરનાર સિંહને પકડીને વનવિભાગે પાંજરે પૂર્યો હતો.
વન મંત્રી અર્જૂન મોઢવાડિયાની યાત્રાળુઓને અપીલ
હવે જ્યારે ફરી એકવાર નવી સીડીના 50મા પગથિયા પાસે 3 સિંહો જોવા મળ્યા છે, ત્યારે વન મંત્રી અર્જૂન મોઢવાડિયાએ યાત્રાળુઓને વિનંતી કરી છે કે- વન્ય પ્રાણી દેખાય તો ગભરાશો નહીં અને તેમને કોઈપણ પ્રકારની હેરાનગતિ કે ઉશ્કેરણી કરશો નહીં. સિંહ અથવા અન્ય વન્ય પ્રાણી દેખાય તો તાત્કાલિક નજીકના વનકર્મી અથવા ટ્રેકર ટીમને જાણ કરીને તેમની સૂચનાઓનું પાલન કરો. વહેલી સવારે અથવા મોડી રાત્રે શક્ય હોય ત્યાં સુધી યાત્રા ન કરો. તેમણે જણાવ્યુ છે કે ગિરનારની સીડીઓ પર ખાદ્યપદાર્થો કે પ્રસાદ ફેંકશો નહીં. તેનાથી શાકાહારી પ્રાણીઓ આકર્ષાય છે અને તેના પરિણામે માંસાહારી વન્યપ્રાણીઓ પણ તે વિસ્તારમાં આવી શકે છે.