ઓલા-ઉબર-રેપિડોના વિરોધમાં અમદાવાદમાં 3.70 લાખ રિક્ષા-ટેક્સીની હડતાળ, રિક્ષાચાલકોની દાદાગીરી બાદ પોલીસ કાફલો ખડકાયો
ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે
ઓનલાઈન ટેક્સી એપ્લિકેશનો ઓલા, ઉબેર, રેપિડો સામે અમદાવાદના 3 લાખ 70 હજાર જેટલા રિક્ષા અને ટેક્સી ચાલકોનું રોજગાર બચાવો આંદોલન ઉગ્ર બન્યું છે. વારંવાર રજૂઆત છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અમદાવાદ રિક્ષાચાલક એકતા સહીતના વિવિધ સંગઠનો દ્વારા 7 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી 4 દિવસ સંપૂર્ણ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે.
મધરાતથી શરૂ થયેલી હડતાળમાં શહેરના તમામ રિક્ષા અને ટેક્સી ચાલકોના જોડાવાનો દાવો કરાયો હતો. પરંતુ ઘણાં વિસ્તારોમાં વાહનો ચાલુ રહેતા હડતાળને ફિક્કો પ્રતિસાદ મળતા યુનિયનના સભ્યો રસ્તા પર ઉતરી આવ્યા હતા. રાણીપ બસ સ્ટેન્ડ પાસે રિક્ષાચલકો લાકડી સાથે આવીને પ્રવાસીઓને અધવચ્ચે ઉતારીને હડતાળમાં જોડાવાનું દબાણ કરી રહહ્યા હતા. રિક્ષાચાલકોની દાદાગીરી સામે આવતા પોલીસ પણ દોડતી થઈ હતી.
રિક્ષાચાલકોની દાદાગીરી રોકવા માટે પોલીસ કાફલો ખડકવામાં આવ્યો હતો. અમદાવાદ પોલીસે એક્સ હેન્ડલ પર સ્થિતિ રાબેતા મુજબ થઈ હોવાનું દર્શાવતા બે ફોટોગ્રાફ શેયર કરીને લખ્યું છે કે રાણીપ ડેપો ખાતે રિક્ષાચાલકો ભેગા થયેલા હતા. હાલ વિખરાઈ ગયેલા છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ છે.

ખાનગી એપ્લિકેશન કંપનીઓની અનિયંત્રિત નીતિઓને લીધે રિક્ષા-ટેક્સી ચાલકોની રોજીરોટી પર ગંભીર સંકટ ઊભું થયું હોવાનો આક્ષેપ યુનિયનોએ કર્યો છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ચાલતી ગેરકાયદેસર ટુ-વ્હીલર ટેક્સી સેવાઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવો અને સરકારના નિયત ધારાધોરણ મુજબ વાજબી ભાડાં નક્કી કરવાની મુખ્ય માંગણીઓ છે. આ મામલે ગત 27 ઓગસ્ટે ગાંધીનગર ખાતે ટ્રાન્સપોર્ટ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યા બાદ 28 ઓગસ્ટથી રિક્ષાઓ પાછળ વિરોધ દર્શાવતાં પોસ્ટર્સ લગાવી આંદોલન શરૂ કરાયું હતું, પરંતુ તંત્ર તરફથી સકારાત્મક પ્રતિસાદ ન મળતાં આખરે ચક્કાજામનો માર્ગ અપનાવવામાં આવ્યો છે.
આ બંધને સફળ બનાવવા માટે યુનિયનના કાર્યકરો વિવિધ વિસ્તારોમાં તૈનાત રહી નિયમભંગ કરનારા ચાલકોને શાંતિપૂર્ણ રીતે સમજાવશે. ઈમરજન્સી સિવાય અન્ય તમામ સેવાઓ સ્થગિત રાખવાની અપીલ કરવામાં આવી છે. જોકે, વિદ્યાર્થીઓના અભ્યાસ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને માનવતાના ધોરણે સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષા ચાલકોને આ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી બાળકોને ઘરેથી શાળાએ પહોંચાડવાની નિયમિત સેવાઓ ચાલુ રહેશે.