ગુજરાતમાં હાલની ખરીફ સિઝનમાં 59.26 લાખ હેક્ટર વાવેતર પૂર્ણ, કપાસનું સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં વાવેતર
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 8.39 લાખ હેક્ટર (61 ટકા) વાવેતર નોંધાયું છે. જેમાં 4,63 લાખ હેક્ટર વાવેતરસાથે ડાંગર સૌથી મોખરે અને 2.54 લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતિય ક્રમાંકે છે
ગુજરાતમાં સાર્વત્રિક વસરાદ બાદ ખરીફ સિઝન-2026માં વેવાતરે ગતિ પકડી છે. કૃષિ વિભાગના આંકડા મુજબ, રાજ્યના સામાન્ય સરેરાશ વાવેતર વિસ્તાર સામે અંદાજે 70 ટકા એટલે કે 59.26 લાખ હેક્ટરમાં વાવેતરનું કામ સંપન્ન થઈ ચુક્યું છે.
ગુજરાતમાં હાલ થયેલા વાવેતરમાં સૌથી વધુ 20 લાખ હેક્ટરમાં કપાસનું અને 17.50 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેડૂતોનો ઝોક તેલીબિયાં અને રોકડિયા પાક તરફ વધુ જોવા મળ્યો છે.
રાજ્યમાં સોયાબીનના સામાન્ય વાવેતર વિસ્તારની દ્રષ્ટિએ 99 ટકા એટલે કે 2.79 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ થયું છે. સોયાબીન બાદ સામાન્ય વાવેતર વિસ્તારની સરખામણીએ મગફળી 91 ટકા, મકાઈ 90 ટકા, અડદ 86 ટકા અને કપાસનું 84 ટકા વાવેતર થઈ ચુક્યું છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કઠોળ પાકોનું વાવેતર વધ્યું છે. ગત વર્ષે કઠોળ પાકનું વાવેતર 2.52 લાખ હેક્ટર હતું, જે ચાલુ વર્ષ વધીને 2.85 લાખ હેક્ટરે પહોંચ્યું છે. જે સામાન્ય વાવેતર વિસ્તારના સાપેક્ષે 68 ટકા થાય છે. કઠોળ પાકોમાં મુખ્યત્વે 76 ટકા સાથે 1.94 લાખ હેક્ટરમાં તુવેર, 86 ટકા સાથે 70,772 હેટ્કરમાં અડદનું વાવેતર થઈ ચુક્યું છે. જ્યારે મગનું વાવેતર હાલ માત્ર 21 ટકા એટલે કે 11,900 હેક્ટરમાં નોંધાયું છે.
રાજ્યમાં ધાન્ય પાકોનું કુલ 8.39 લાખ હેક્ટર (61 ટકા) વાવેતર નોંધાયું છે. જેમાં 4,63 લાખ હેક્ટર વાવેતરસાથે ડાંગર સૌથી મોખરે અને 2.54 લાખ હેક્ટર વાવેતર સાથે મકાઈ દ્વિતિય ક્રમાંકે છે.
રોપણી આધારીત પાક હોવાથી આગામી દિવસોમાં ડાંગરના વાવેતરમાં હજુ પણ મોટો વધારો થવાની પુરેપુરી સંભાવના છે. રાજ્યમાં જુવારનું હાલ 10,301 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયગાળામાં જુવારનું વાવેતર અડધું એટલેકે 4,319 હેક્ટર હતું.
રાજ્યમાં દિવેલા કે એરંડાનું વાવેતર હાલ 52,655 હેક્ટર અને તલનું વાવેતર 7,597 હેક્ટર થયું છે. દિવેલા ઓગસ્ટમાં વાવવામાં આવતો પાક હોવાથી આગામી બે અઠવાડિયામાં તેના વાવેતરમાં નોંધપાત્ર વધારાની સંભાવના છે.
રાજ્યમાં ચાલુ વર્ષે ઘાસચારાનું ૫.૨૧ લાખ હેક્ટરમાં (સામાન્ય વિસ્તારના ૫૧ ટકા) વાવેતર થયું છે. તદુપરાંત, શાકભાજીનું ૧.૭૧ લાખ હેક્ટરમાં (૬૪ ટકા) અને બાજરાનું ૧.૦૬ લાખ હેક્ટરમાં (૬૦ ટકા) વાવેતર પૂર્ણ થયું છે.