શીલજની આનંદ નિકેતન સ્કૂલમાં નાસ્તામાંથી કાચ નીકળ્યો, અન્ય ધર્મના પુસ્તકના વાંચનના દબાણનો આરોપ
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મામલે શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા માટે સૂચના અપાઈ છે. આ મામલે તપાસના આધારે સમગ્ર હકીકતના સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદના શીલજમાં આવેલી આનંદ નિકેતન શાળામાં વિદ્યાર્થીને આપેલા નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળ્યો હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વીએચપી અને વાલીઓ દ્વારા સ્કૂલમાં હોબાળો મચાવાયો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને આની ફરિયાદ કરવામાં આવી છે.
વાલીઓ અને વીએચપી દ્વારા અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીને અન્ય ધર્મનું પુસ્તક વિદ્યાર્થીઓને વાંચવા દબાણ કરાતું હોવાની પણ ગંભીર પ્રકારની ફરિયાદ કરવામાં આવી છે.
લગભગ એક માસથી પણ વધુ સમયથી સવારની પ્રાર્થના બંધ હોવાનું પણ જણાવાયું છે. માગણી કરવામાં આવી છે કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળાને નોટિસ ફટકારીને ખુલાસો રજૂ કરવા નિર્દેશ કરવામાં આવે.
જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ મામલે શિક્ષણ નિરીક્ષકને તપાસ કરવા માટે સૂચના અપાઈ છે. આ મામલે તપાસના આધારે સમગ્ર હકીકતના સામે આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.