12 જિલ્લામાં 4 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ, બોરસદમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ
રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 41થી 61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે 0.59 ઇંચ પ્રતિ કલાક (15 મિમી/કલાક) કરતાં વધુ ભારે વરસાદ અને વીજળી પડવાની 30-60% શક્યતા દર્શાવાઈ છે
લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદના આગમને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જ્યો છે. જો કે 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલી વરસાદની બીજી ઈનિંગમાં સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં 225 તાલુકામાં મેઘમહેર નોંધાઈ છે. જેમાં આણંદ જિલ્લાના બોરસદમાં 5.43 ઈંચ અને અમદાવાદના ધોળકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય 29 તાલુકાઓમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે નવી ચેતવણી જાહેર કરતા સાંજના 4 વાગ્યા સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ સાથે ધોધમાર વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર, ટ્રાફિક જામ અને વૃક્ષો તેમજ હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ભીતિ વ્યક્ત કરીને લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને સાવચેત રહેવાની અપીલ કરી છે.
રેડ એલર્ટ એટલે કે અત્યંત ભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓમાં સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 41થી 61 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે 0.59 ઇંચ પ્રતિ કલાક (15 મિમી/કલાક) કરતાં વધુ ભારે વરસાદ અને વીજળી પડવાની 30-60% શક્યતા દર્શાવાઈ છે.
જ્યારે ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિભારે વરસાદની આગાહી ધરાવતા જિલ્લાઓ કચ્છ, અરવલ્લી, ખેડા, આણંદ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, મહીસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ અને દમણ સહિતના વિસ્તારોમાં 40 કિમી/કલાકથી ઓછી ઝડપના પવન સાથે 0.20થી 0.59 ઇંચ પ્રતિ કલાક (5-15 મિમી/કલાક) મધ્યમ વરસાદની શક્યતા છે.
જૂનાગઢમાં આ ચોમાસામાં પહેલીવાર કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું અને દામોદર કુંડમાં પણ પાણીની આવક નોંધાઈ છે. વેલિંગ્ડન ડેમમાં પાણીની મોટી આવક શરૂ થતા તેના ઓવરફ્લો થવાની શક્યતા છે.
વડોદરામાં ધોધમાર વરસાદને કારણે રોડ-રસ્તા પાણી-પાણી છે. અમદાવાદમાં પણ અંધારપટ સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. તલાલા ગીરમાં ભારે વરસાદથી ખેડૂતોએ સૂકાતા પાકને લઈને હાશકારો અનુભવ્યો છે.
વિજાપુરમાં 1.65 ઈંચ વરસાદ સાથે રસ્તાઓ બેટમાં ફેરવાયા છે. અમરેલીના રાજુલામાં મુખ્ય બજારમાં નદી વહી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.
ભરૂચમાં આઠ કાર ગટરમાં ખાબકી હોવાના અહેવાલ છે. સુરતમાં ભારે વરસાદને કારણે લોકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.
અમદાવાદમાં પણ ઘણાં વિસ્તારોમાં પાણી ભરાયા છે અને સાબરમતી નદીમાં પણ પાણીની મોટી આવક જોવા મળી છે.