જન્માષ્ટમી-રક્ષાબંધન પહેલા ખાદ્યતેલના ભાવમાં ભડકો, સિંગતેલમાં 72 કલાકમાં ડબ્બે 45 રૂ.નો વધારો
જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંગ્રહખોરી અને ભાવવધારા પર નિયંત્રણ લાદવામાં નહીં આવે, તો ખાદ્યતેલના ભાવમાં હજી પણ ભાવવધારાની શક્યતા છે.
હવે રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો આવવાના છે. પણ સ્થાનિક બજારોમાં ખાદ્ય,તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. આ ભાવવધારાનો ભડકો જનતાના ખિસ્સાને દઝાડી રહ્યો છે.
72 કલાકમાં એટલે કે 3 દિવસમાં માંગ વધવાને કારણે સિંગતેલના ભાવમાં ડબ્બા દીઠ 45 રૂપિયા અને કપાસિયા તેલમાં ડબ્બા દીઠ 35 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. મગફળીનો પુરતો જથ્થો હોવા છતાં વેપારીઓ અને મિલો દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. ચાલુ વર્ષે પણ રાજ્યમાં મગફળીનું બમ્પર વાવેતર થયું છે.
શુક્રવારે સિંગતેલના ડબ્બાનો ભાવ 2850 થી 2900 રૂપિયા વચ્ચે હતો, જે સોમવારે ઉઘડતી બજારે વધીને 2845 થી 2945 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. એટલે કે માત્ર 72 કલાકમાં સિંગતેલમાં ડબ્બે 45 રૂપિયાનો સીધો વધારો ઝીંકાયો છે. આવી જ રીતે, ફરસાણ અને મીઠાઈ બનાવવા માટે સૌથી વધુ વપરાતા કપાસિયા તેલના ભાવ પણ સોમવારે 2745 થી 2795 રૂપિયા બોલાયા હતા, જેમાં ડબ્બે 35 રૂપિયાનો વધારો થયો છે.
તહેવાર ટાણે ખાદ્યતેલના ભાવમાં વધારાએ સામાન્ય અને મધ્યમ વર્ગનું બજેટ ખોરવી નાખ્યું છે. જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા સંગ્રહખોરી અને ભાવવધારા પર નિયંત્રણ લાદવામાં નહીં આવે, તો ખાદ્યતેલના ભાવમાં હજી પણ ભાવવધારાની શક્યતા છે.