માફિયા અતીક અહમદના નાના પુત્ર અબાનનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી
પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. દુર્ઘટના કઈ પરિસ્થિતિમાં થઈ અને કારની ઝડપ કેટલી હતી, તેની પણ તપાસ કરાઈ રહી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહી છે
અતીક અહમદના નાના પુત્ર અબાન અહમદનું સડક દુર્ઘટનામાં મોત નીપજ્યું છે. ઝાંસીના પૂંછ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી દુર્ઘટનામાં અન્ય બે લોકોના પણ મોત નીપજ્યા છે અને અન્ય ત્રણ ગંભીરપણે ઘવાયા છે. આ તમામ લોકો પ્રયાગરાજથી ઝાંસી જેલમાં બંધ અલી અહમદ સાથે મુલાકાત કરવા જઈ રહ્યા હતા.
જાણકારી મુજબ, હાઈવે પર ઝડપથી ચાલી રહેલી કાર અનિયંત્રિત થઈ જતા તે ડિવાઈડર સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત થયો છે.
ઝાંસીના એસએસપીએ ક્હ્યુ કે માર્યા ગયેલા માફિયા અતીક અહમદના પુત્ર અબાનનું મોત ફાસ્ટ કારના ડિવાઈડર સાથે ટકરાયા બાદ થયું છે. આ દુર્ઘટનામાં તેના દોસ્ત સોનુનું પણ મોત નીપજ્યું છે.
દુર્ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. મૃતકોમાં અબાન અહમદની ઓળખ થઈ છે. દુર્ઘટનામાં મોહમ્મદ જૈદ , ઉમર સહીત ત્રણ લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે. દુર્ઘટના કઈ પરિસ્થિતિમાં થઈ અને કારની ઝડપ કેટલી હતી, તેની પણ તપાસ કરાઈ રહી છે. હાલ પોલીસ ઘટનાસ્થળેથી પુરાવા એકઠા કરી રહી છે.
અબાન અહમદ માફિયા અતીક અહમદનો સૌથી નાનો પુત્ર હતો. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ અબાન અને તેનો ભાઈ અહજમ સગીર હોવાથી બંનેને બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યા હતા. બાદમાં ઓક્ટોબર-2023માં બંનેને બાળ સંરક્ષણ ગૃહમાંથી મુક્ત કરીને તેની ફોઈને સોંપવામાં આવ્યા હતા.
જ્યારે અતીક અહમદના પુત્ર અલી અહમદને 1 ઓક્ટોબર, 2025ના રોજ નૈની જેલથી ઝાંસી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. જણાવવામાં આવે છે કે અબાન સહીત પરિવારના લોકો તેને મળવા માટે ઝાંસી જઈ રહ્યા હતા. દુર્ઘટના બાદ પોલીસ આખા મામલાની તપાસમાં લાગેલી છે.