સુરતમાં MLA કાંતિ બલરની ઓફિસમાં ભાજપના બે નેતાની મારામારી, મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ફ્રેક્ચર
કોર્પોરેટર જયશ્રી વોરા મુજબ, ટીપી કમિટીના ચેરમને મહેન્દ્ર દેસાઈએ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈને સીધી ખુરશી ઉપાડીને મનહર વોરાને મારવા દોડયા હતા
ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં શિસ્તબદ્ધ ગણાતા ભાજપના બે નેતાઓ વચ્ચે બોલાચાલી અને તેના પછી થયેલા હિંસક ઘર્ષણમાં મહિલા કોર્પોરેટર અને તેમના પતિને ગંભીર ઈજા થઈ છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ ધારાસભ્યની હાજરીમાં જ ખુરશી લઈને મારવા દોડતાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફ્રેક્ચર થયું છે.
મામલાની જાણકારી મુજબ, વોર્ડ નંબર-5માં આવેલી ભટની વાાડી સોસાયટીના પડતર પ્રશ્નનો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં રજૂઆત બાદ મીટિંગમાં કોને બોલાવ્યા અને કોને બાકાત રાખ્યા, તેને લઈને કોર્પોરેટરો અને આગેવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.
બેઠકમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપુી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન નહીં રાખવાનો આરોપ લગાવ્યો હતો. તેથી ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે બોલાચાલી થઈ અને પછી વાત છૂટાં હાથની મારામારી સુધી પહોંચી હતી.
મનહર વોરા મુજબ, સોસાયટીના પ્રશ્નો અંગે બેઠક પૂર્ણ થયા બાદ તેમને અંદર બોલાવાયા હતા. આ દરમિયાન ટીપી ચેરમેન મહેન્દ્ર દેસાઈ દ્વારા કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદાર ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરાવવા અંગે રજૂઆત થઈ હતી. કાર્યકર્તાઓ અને સ્થાનિકોએ ચૂંટણી વખતે પક્ષ માટે કરેલી મહેનત યાદ અપાવી હતી. છતાં મહેન્દ્ર દેસાઈએ થુંકેલું પાછું નહીં લઉં તેમ કહીને રજૂઆત ફગાવી હતી. જો ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં જ વેપારી ધંધો ન કરી શકે તો તેઓ ક્યાં જશે તેવા સવાલો પણ તેમણે ઉઠાવ્યા હતા.
આ ઘર્ષણ બાદ મનહર વોરાએ 100 નંબર પર કોલ કરીને બે વાર પોલીસ બોલાવી હતી. પણ ધારાસભ્ય કાંતિ બલરે પોતાની ઓફિસ અને કાર્યાલય બદનામ થાય નહીં તેવું કહીને આ બાબતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.
જયશ્રી વોરા અને મનહર વોરાએ ઘરે પહોંચીને પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરી, તો તેમને સંગઠન સ્તરે લેખિત રજૂઆત કરવાની સલાહ આપવામાં આવી હતી. તેના પછી મનહર વોરા અને જયશ્રી વોરાએ ઓફિશયલ લેટરપેડ પર પ્રદેશ અધ્યક્ષ જગદીશ પંચાલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, રત્નાકરજી અને શહેરના અન્ય નેતાઓને ઈમેલ કરીને સમગ્ર ઘટના અને આક્ષેપો અંગે વિગતવાર રજૂઆત કરી હતી. તેમણે આ મામલામાં યોગ્ય કાર્યવાહી કરવાની પ્રદેશ સંગઠન સ્તરના નેતાઓ સમક્ષ માગણી કરી છે.
કોર્પોરેટર જયશ્રી વોરા મુજબ, ટીપી કમિટીના ચેરમને મહેન્દ્ર દેસાઈએ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ જઈને સીધી ખુરશી ઉપાડીને મનહર વોરાને મારવા દોડયા હતા. આ હિંસક ઘર્ષણમાં બંનેને ઈજાઓ પહોંચી હતી. જેમાં આંગળી અને અંગુઠાના ભાગે ફ્રેક્ચર થયું હતું. હુમલા બાદ તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા.
જો કે ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈએ કોઈને માર્યા નહીં હોવાનું જણાવીને સામાન્ય વિવાદ ગણાવ્યો છે.
તો ધારાસભ્ય કાંતિ બલરે સ્વીકાર્યું હતું કે ઉગ્ર બોલાચાલી બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે ઉગ્ર દલીલ બાદ ઝપાઝપી અને મારામારી થઈ હતી. સ્થિતિ વણસતા તેમણે તેમજ અન્ય કોર્પોરેટરોએ બંનેને છૂટા પાડયા હતા.
મહિલા કોર્પોરેટર પર કોઈએ હાથ ઉપાડયો હોવાની વાતને ધારાસભ્ય કાંતિ બલરે રદિયો આપ્યો છે અને કહ્યુ છે કે છૂટા પડતી વખતે કદાચ કંઈ વાગ્યું હોય તો અલગ વાત છે. પરંતુ ખાસ ટાર્ગેટ કરીને માર મરાયો હોવાની વાત તદ્દન ખોટી છે.
જો કે આ મામલો હવે સુરતથી ગાંધીનગરના દરબારમાં પહોંચી ચુક્યો છે. આ બનાવ સંદર્ભે ભાજપ હાઈકમાન્ડ દ્વારા કેવા પગલાં લેવામાં આવશે, તેના પર સૌની નજર મંડાયેલી છે.