પતિએ કાઢી મૂકી તો સગીરાએ અમદાવાદ રિવરફ્રન્ટથી સાબરમતીમાં કૂદી આપઘાત કર્યો, આઈશાની જેમ આખરી વીડિયો પણ બનાવ્યો
2021માં અમદાવાદમાં રહેતા વટવાની એક પરણિતા આઈશાએ પણ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો હતો અને તેણે પતિને ફોન કરીને મરી જવાની વાત કરી હતી. આપઘાત પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો
અમદાવાદમાં નારોલમાં રહેતી 17 વર્ષની સગીરાએ 6 માસ પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. પણ લગ્નજીવનમાં અણબનાવ બાદ તેને પતિએ કાઢી મૂકી હતી. જેને કારણે સગીરાએ 10 ઓગસ્ટે રિવરફ્રન્ટ પરથી સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો હતો. સગીરાએ આપઘાત પહેલા તેના પતિને સાથે રહેવા આજીજી કરી, પણ પતિ માન્યો નહીં. તેથી સગીરાએ વીડિયો બનાવીને સાબરમતીમાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. વીડિયોના આધારે સગીરાના પતિ સામે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધ્યો છે.
નારોલમાં રહેતા મૃતક સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે તેમની 17 વર્ષની પુત્રીને ફરદીન શેખ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. તેને કારણે બંને પરિવારોએ સગીરા અને ફરદીનના લગ્ન કરાવ્યા હતા. લગ્ન બાદ સગીરા તેના પતિ ફરદીન સાથે આણંદ રહેતી હતી. બંને વચ્ચે રકઝક થઈ હતી. 3 ઓગસ્ટે ફરદીને સગીરાને ઘરમાંથી કોઈ કારણસર કાઢી મૂકી હતી. સગીરા સાસરીમાં આવીને નારોલ તેના પિતાના ઘરે રહેતી હતી.
10મી ઓગસ્ટે સગીરા અને તેની માતા જ ઘરમાં હતા. સગીરા લગ્નનું આલ્બમ જોઈને રડતી હતી. તેણે પતિ ફરદીન શેખને ફોન કરીને કહ્યું કે તે જે કહેશે તે કરશે. તેને પાછી આવવા દે. જો કે ફરદીને આનો નનૈયો ભણ્યો હતો. તેથી સગીરા દુખી થઈને રડવા લાગી હતી.
ગભરામણ થતી હોવાનું જણાવીને સગીરા ઘરેથી 11 વાગ્યે નીકળી હતી. તેણે સાબરમતી રિવરફ્રન્ટ પર જઈને વીડિયો બનાવ્યો અને તેમાં તેના પતિને ઉદેશીને કહ્યું હતું કે આત્મા તો પહેલા જ મરી ગઈ હતી, આજે હું પણ મરી જઈશ. સગીરાએ વીડિયો બનાવીને તેની બહેનને મોકલ્યો અને સાબરમતી નદીમાં છલાંગ લગાવી હતી. પરિવારે સગીરાને શોધવાનું શરૂ કર્યું, પણ તે ક્યાંય મળી ન હતી.
બપોરે ત્રણ વાગ્યાની આસપાસ સાબરમતી નદીમાં એક લાશ તરતી જોવા મળી હતી. ફાયર ટીમે નદીમાંથી લાશ બહાર કાઢી અને તે આ સગીરાની જ હતી. પરિવારને આના જાણ કરવામાં આવી હતી. પીએમ બાદ લાશને પરિવારજનોને સોંપવામાં આવી હતી.
2021માં અમદાવાદમાં રહેતા વટવાની એક પરણિતા આઈશાએ પણ સાબરમતીમાં કૂદીને આપઘાત કર્યો હતો અને તેણે પતિને ફોન કરીને મરી જવાની વાત કરી હતી. આપઘાત પહેલા તેણે એક વીડિયો પણ બનાવ્યો હતો.