અમદાવાદ દુષ્કર્મ કેસ: સિક્યુરિટી કંપનીનું PSARA લાઇસન્સ 5 એપ્રિલે થયું હતું એક્સપાયર, માલિક સામે ગુનો નોંધાયો
ખાનગી સિક્યુરિટી એજન્સીઓ માટે PSARA (Private Security Agencies Regulation Act) હેઠળ લાઇસન્સ મેળવવું અને તેની સમયસર રીન્યુઅલ કરાવવું જરૂરી છે
અમદાવાદ શહેરના જોધપુર ગામના ફ્લેટમાં યુવતી સાથે બળાત્કારના કેસમાં સિક્યુરિટી ગાર્ડની ધરપકડ થયા બાદ હવે સિક્યુરિટી કંપનીની ગંભીર બેદરકારી સામે આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી જે સિક્યુરિટી કંપનીમાં કામ કરતો હતો, તેનું PSARA લાઈસન્સ 5 એપ્રિલ, 2026ના રોજ એક્સપાયર થઈ ચુક્યું હતું. સિક્યુરિટી કંપનીના માલિકે લાઈસન્સ રિન્યૂ કરવાની કોઈ પ્રક્રિયા પણ હાથ ધરી ન હતી. આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશને સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે.
પોલીસ તપાસમાં વધુ ખુલાસો થયો છે કે યુવતી સાથે બળાત્કાર કરનારો આરોપી ધર્મસિંહ સિક્યુરિટી કંપનીમાં માત્ર ચાર દિવસથી જ નોકરીએ લાગ્યો હતો. કંપની તરફથી તેને જરૂરી ટ્રેનિંગ પણ આપવામાં આવી ન હતી. આ મામલે પોલીસે વન સિક્યુરિટી કંપનીના માલિક રામપ્રકાશ તિવારીને ઈન્ક્વાયરી માટે બોલાવ્યા હતા. પોલીસે કંપનીના લાઈયસન્સ સહીતના જરૂરી દસ્તાવેજોની પણ તપાસ કરી હતી.
રામપ્રકાશ તિવારી 2015થી સિક્યુરિટી કંપની ચલાવે છે. કંપનીનું લાઈસન્સ 2021માં રીન્યૂ કરાવાયું હતું અને તેની માન્યતા 5 એપ્રિલ, 2026 સુધીની હતી. 5 એપ્રિલ બાદ કંપનીનું લાઈસન્સ એક્સપાયર થવા છતાં તેને રિન્યૂ કરવાવા માટે કંપની તરફથી પ્રક્રિયા હાથ ધરાઈ ન હતી.આ મામલે બેદરકારી દાખવવા બદલ કંપનીના માલિક રામપ્રકાશ તિવારી સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
ખાનગી સિક્યુરિટી એજન્સીઓ માટે PSARA (Private Security Agencies Regulation Act) હેઠળ લાઇસન્સ મેળવવું અને તેની સમયસર રીન્યુઅલ કરાવવું જરૂરી છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડની ભરતી અને તાલીમને લઈને પણ નિયમોનું પાલન કરવાનું હોય છે.
મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાતમાં અંદાજે 2500 ખાનગી સિક્યુરિટી એજન્સીઓ છે અને અમદાવાદમાં આવી સિક્યુરિટી એજન્સીઓની સંખ્યા 600થી 800 વચ્ચે છે. રાજ્યમાં 5થી 6 લાખ સિક્યુરિટી ગાર્ડ છે અને અમદાવાદમાં અંદાજે દોઢ લાખ ગાર્ડ વિવિધ સ્થળોએ ફરજ બજાવે છે. બિનહથિયારધારી ગાર્ડને સામાન્ય રીતે 13થી 18 હજાર અને હથિયારધારી ગાર્ડને 22થી 28 હજાર સુધીનો પગાર મળતો હોય છે.