અમદાવાદના દરિયાપુરમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, મહિલાનું મોત
સોમવારે મધરાત્રે લગભગ 12.30 કલાકે બનેલી ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સને મળી હતી. તેના પછી બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાંથી બંને લોકોને બહાર કાઢયા હતા.
અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે વરસાદે થોડો વિરામ લીધો છે. પરંતુ સોમવારે મધરાતે દરિયાપુરના ડબગરવાડમાં મન્સૂરી મહોલ્લામાં એક ત્રણ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ મકાનના કાટમાળમાં બે લોકો દટાયા હતા. જેમાં 50 વર્ષીય આધેડ મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે યુવકને ઈજાગ્રસ્ત હાલતમાં બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. સોમવારે મધરાત્રે લગભગ 12.30 કલાકે બનેલી ઘટનાની જાણકારી ફાયરબ્રિગેડ, 108 એમ્બ્યુલન્સને મળી હતી. તેના પછી બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરબ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળમાંથી બંને લોકોને બહાર કાઢયા હતા. મહિલા બેભાન અવસ્થામાં હતી. બંનેને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું. આ મકાન જૂનું હતું અને જર્જરિત હાલતમાં હતું. આસપાસના મકાનોમાંથી ઘણાં જર્જરિત હાલતમાં છે અને તેમને નોટિસ પણ આપવામાં આવી છે. ડબગરવાડમાં ધરાશાયી થયેલા મકાનના કાટમાળને હટાવવાની કામગારી શરૂ કરાઈ છે. તેની સાથે શહેરમાં સતત વરસી રહેલા વરસાદને કારણે જૂના અને નબળા મકાનોમાં રહેતા લોકોને સાવચેત રહેવા તેમજ તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ પણ કરવામાં આવી છે.