રીલીફ રોડ સહીતના પૂર્વ અમદાવાદમાં દબાણો દૂર કરવા કરાઈ કાર્યવાહી, પશ્ચિમ અમદાવાદમાં ક્યારે કરાશે આવી કાર્યવાહી?
રોડ અને ફૂટપાથને દબાણમુક્ત રાખવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.
પૂર્વ અમદાવાદના કોટ વિસ્તારમાં ફૂટપાથો અને માર્ગો પર ખાણીપીણીની લારીઓ અને ગલ્લાઓને કારણે થયેલા દબાણને પરિણામો ટ્રાફિકની સમસ્યા ઘણી વધી ગઈ હતી. તેને જોતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદમાં દબાણો હટાવવાની કાર્યવાહી શરૂ થઈ છે. પૂર્વ અમદાવાદની જેમ પશ્ચિમ અમદાવાદના બોપલ-ઘુમા, વસ્ત્રાપુર સહીતના ઘણાં માર્ગો પર લારી-ગલ્લા અને આડેધડ પાર્કિંગને પરિણામે દબાણને કારણે માર્ગો પર ટ્રાફિકની સમસ્યા જોવા મળે છે. તેથી પૂર્વ અમદાવાદની જેમ પશ્ચિમ અમદાવાદમાં આવી કાર્યવાહી કરવામાં આવે તેની પણ રાહ જોવાઈ રહી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મધ્ય ઝોનની એસ્ટેટ ટીમ દ્વારા રીલીફ રોડ પરથી ફૂટપાથ પરના દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ પહેલા રાત્રિ દરમિયાન અમદાવાદના જાણીતા ખાણીપીણી બજાર માણેકચોક વિસ્તારમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.માણેકચોકના સાંકડા રસ્તાઓ પર લારીઓ અને સ્ટેન્ડો લઈને ઉભા રહેવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી.એએમસી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાનકોર નાકાથી માણેકચોકના રોડ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા.
પૂર્વ અમદાવાદમાં ચાલી રહેલી દબાણો હટાવવાની કાર્યવાહી નરોડા અને રખિયાલ વોર્ડમાં પમ કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતાના ઉત્તર ઝોન દ્વારા શહેરકોટડા પોલીસ, E-ડિવિઝન ટ્રાફિક પોલીસ તથા SRP ફોર્સના સહયોગથી નરોડા–રખિયાલ વોર્ડ વિસ્તારમાં દબાણ તથા ગેરકાયદેસર પાર્કિંગ સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
શહેરકોટડા પોલીસ સ્ટેશનથી કાલુપુર રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નં. 12, આંબેડકર હોલ, નરોડા ચાર રસ્તા, શારદાબેન સર્કલ અને પોટલિયા ચાર રસ્તા સુધીના માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા તથા ગેરકાયદેસર પાર્ક કરાયેલા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી.
કુલ 160 માલસામાન જપ્ત કરવામાં આવ્યો, જેમાં 18 લારીઓ, 28 જાહેરાતના હોર્ડિંગ્સ/બોર્ડ/બેનર તથા 114 અન્ય પરચૂરણ માલસામાનનો સમાવેશ થાય છે. ઉપરાંત, 18 વાહનોને લોક કરી રૂ.13,300 વહીવટી ચાર્જ દંડ પેટે વસૂલવામાં આવ્યો.
રોડ અને ફૂટપાથને દબાણમુક્ત રાખવા માટે આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે.આ પહેલા મધ્ય ઝોનના AMC એસ્ટેટ વિભાગ દ્વારા અમદાવાદ પોલીસ વિભાગના સહયોગથી કાળુપુર રેલવે સ્ટેશન, ગીતામંદિર બસ સ્ટોપ તથા આસપાસના વિસ્તારોમાં પણ ગઈકાલે મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જાહેર માર્ગો પર અવરજવર સરળ બને અને નાગરિકોને વધુ સુવિધા મળે તે માટે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. શહેરમાં જાહેર સ્થળો અને માર્ગોને દબાણમુક્ત તથા સુવ્યવસ્થિત રાખવા AMC એસ્ટેટ વિભાગ દ્વારા કામગીરી સતત ચાલુ રહેશે.