મોરબી જિલ્લાના 29 ગામોમાં ભાજપના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા
જેતપરમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરોમાં વીજપોલ નાખવા મામલે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં રાજ્ય સરકારમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ સક્રિય હતા અને તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા.
લોકશાહીમાં જનતા જ સાર્વભૌમ છે અને જનતાને હળવાશથી લેવાની કોઈપણ ભૂલ ભારે પડી શકે છે. મોરબી જિલ્લાના 29 ગામોમાં ભાજપના બહિષ્કારના પોસ્ટરો લાગ્યા છે અને તેને કારણે ત્રણ દાયકાથી વધુ સમયથી ગુજરાતમાં સત્તાના સુકાન સંભાળી રહેલા ભાજપ માટે ચિંતાનો વિષય છે.
મોરબી જિલ્લાના જેતપર ગામમાં વીજ લાઈન અને પોલ નાખવાને કાણે શરૂ થયેલા ખેડૂત આંદોલન હવે અન્ય ગામોમાં પ્રસરવા લાગ્યું છે. મોરબી જિલ્લાના 29 ગામોમાં ભાજપના બહિષ્કારના બેનરો લાગ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે ભાજપના નેતાઓએ મત માંગવા માટે આવવું નહીં તેવું સ્પષ્ટ લખેલું છે. આ મામલો આમ તો ભાજપ માટે હવે ચિંતાનું કારણ બનવા લાગ્યો છે.
મોરબી જિલ્લાના - વાઘપર, જીકીયારી, વિશાલનગર, ખીરઈ, રોહીશાળા, શાપર, જસમતગઢ, રંગપરુ, બેલા, પીપળી, લક્ષ્મીનગર, નવા સાદુળકા, ભરતનગર, ધરમપુર, ટીંબડી, હરીપર, કેરાળા, ભક્તિનગર, કુંભારિયા, રવાપર (નદી), દાદાશ્રીનગર, રોટરી ગામ (અમરનગર), કૃષ્ણનગર, ગુંગણ, ગાળા, પીલુડી, નવા દેવળિા, જબલપુર- એમ કૂલ 29 ગામોમાં ભાજપના બહિષ્કારના પોસ્ટરો જિલ્લાના વધુ ગામોમાં પણ લાગે તેવી શક્યતાઓ છે.
ખેડૂતોના કહેવા પ્રમાણે એસડીએમ અને ડીવાયએસપી જે પત્ર લઈને આવ્યા હતા તેનું વાંચન કર્યા બાદ અમે તેનો અસ્વીકાર કર્યો છે. અમે સરકાર અને ઉર્જા વિભાગ પાસે માંગ કરી છે કે અમારી 6 મુદ્દાની જે રજૂઆત છે, તેમાં સરકાર કયા મુદ્દાઓ 100 ટકા સ્વીકારે છે અને કયા મુદ્દાઓમાં ફેરફાર કરવા માંગે છે તેનું લેખિત જવાબ કે વિવરણ આપે.
ખેડૂતોના વિરોધને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વીજ ટાવર અને ટ્રાન્સમિશન લાઈનની કામગીરી માટે જમીન સંપાદન અથવા નુકશાની પેટે ચુકવવામાં આવતા વળતરમાં વધારો કરીને અસરગ્રસ્ત ખેડૂતોને જૂના જંત્રી દરના બદલે પ્રવર્તમાન બજાર ભાવના આધારે બમણું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો હતો. નવા ઠરાવ મુજબ, ટાવર બેઝ વળતર માટે માર્કેટ રેટ કમિટી (MRC) દ્વારા જમીનની જે બજાર કિંમત નક્કી કરવામાં આવશે, તેના બે ગણા જેટલી રકમ ખેડૂતોને ચૂકવવામાં આવશે. વધુમાં, આ વળતરની ગણતરી કરતી વખતે ખેડૂતોને મહત્તમ લાભ મળે તે માટે માત્ર ટાવરના ચાર પાયાની જગ્યા જ નહીં, પરંતુ પાયાના વાસ્તવિક વિસ્તાર ઉપરાંત ચારેય બાજુ 1 મીટરનો વધારાનો વિસ્તાર પણ ધ્યાને લેવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છેકે જેતપરમાં છેલ્લા કેટલાક સમયથી ખેતરોમાં વીજપોલ નાખવા મામલે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં રાજ્ય સરકારમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના ભાઈ રાકેશભાઈ અમૃતિયા પણ સક્રિય હતા અને તેઓ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા. જેતપર ગામે ખેડૂત આંદોલન છાવણીમાં પહોંચીને સરકારના મંત્રીઓના ઝભ્ભા ફાડો, 108માં ઘાલો જેવું નિવેદન પણ આપ્યું હતું. તેમણે જિલ્લાના પૂર્વ કલેક્ટર માટે પણ વિવાદીત ટીપ્પણી કરી હતી