અમદાવાદમાં ધોધમાર વરસાદ, ઠેકઠેકાણે પાણી ભરાયા-પીક અવર્સમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા
અમદાવાદ શહેરમાં આજ સુધીમાં ચોમાસાનો 76.28 ટકા એટલે કે 27.46 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
અમદાવાદમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છે. સવારે ગાઢ વાદળછાયા વાતાવરણને કારણે અંધારપટ જેવી સ્થિતિ સર્જાય હતી અને પછી ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. રાત્રિ દરમિયાન થોડી-થોડીવારે હળવા ઝાપટા અને ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં વરસાદી માહોલ છે.
રવિવારથી અમદાવાદમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી અને શહેરમાં સાર્વત્રિક સરેરાશ અઢી ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. ભાદરવાની શરૂઆતમાં જ રાજ્ય સહીત અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં 10 વાગ્યા સુધી ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. જ્યારે દિવસ દરમિયાન ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. અમદાવાદમાં હજી બે દિવસ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
સવારથી શરૂ થયેલા વરસાદનું જોર સતત વધ્યું છે અને તેને કારણે પૂર્વના લાલદરવાજા, નારોલ, નિકોલ, ઠક્કરબાપાનગર, નરોડા, સરદારનગર, રાણીપ, હાટકેશ્વર સર્કલ સહીતના વિસ્તારોમાં ઘણાં સ્થાનો પર પાણી ભરાયા છે.
આ ઉપરાંત અમદાવાદના સરખેજથી ગાંધીનગરના પટ્ટામાં પણ વરસાદનું જોર વધ્યું છે. બોપલ-ઘુમા સહીતના પશ્ચિમ અમદાવાદના વિસ્તારોમાં પણ વરસાદને કારણે ઘણાં ઠેકાણે જળભરાવ જેવી સ્થિતિ થઈ છે.
નારોલ-અસલાલી હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા છે તથા ઈસનપુરમાં પણ અનેક ઠેકાણે પાણી ભરાવાની ફરિયાદો ઉઠી છે. પીકઅવર્સમાં જળભરાવના કારણે નાગરિકો ભારે પરેશાન થઈ રહ્યા છે અને અમદાવાદમાં વરસાદની સાથોસાથ ટ્રાફિકજામની વિકટ સમસ્યા સર્જાઈ છે. વરસાદના આ માહોલ વચ્ચે જ શ્રદ્ધાળુઓ દ્વારા વિધિવત રીતે ગણપતિ બાપ્પાની મૂર્તિનું સ્થાપન પણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગ્રામીણ વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે.
મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદ શહેરમાં આજ સુધીમાં ચોમાસાનો 76.28 ટકા એટલે કે 27.46 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.