કચ્છમાં મેઘમહેરઃ ભુજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જળાશયોમાં નવા નીરની આવક
ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં મોટા બંધોમાં પાણીની ભારે આવક થઈ રહી છે. વરસાદના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે
કચ્છમાં લાંબા વિરામ બાદ ફરી મેઘમહેર જોવા મળી છે. ગઈકાલ રાતથી ભુજ સહિત આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સતત વરસાદના પગલે કચ્છના જળાશયો અને તળાવોમાં નવા નીરની આવક શરૂ થઈ છે.
ઉપરવાસમાં પણ સારો વરસાદ થતાં મોટા બંધોમાં પાણીની ભારે આવક થઈ રહી છે. જેના કારણે જળસંગ્રહમાં વધારો થવાની આશા સેવાઈ રહી છે. વરસાદના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભુજના ઐતિહાસિક હમીરસર તળાવમાં પણ નવા નીરની આવક થતાં તળાવનું સૌંદર્ય ખીલી ઊઠ્યું છે. તળાવમાં પાણી આવતા રમણીય દૃશ્યો સર્જાયા છે અને સ્થાનિકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
કચ્છના વિવિધ વિસ્તારોમાં પડેલા વરસાદને કારણે ગરમીમાંથી પણ લોકોને રાહત મળી છે. આગામી સમયમાં પણ વરસાદ યથાવત રહે તો જળાશયોમાં પાણીની આવકમાં વધુ વધારો થવાની શક્યતા છે.