અમદાવાદના પોલીસ સ્ટેશનમાં યુવકનું મોત, મદદ માટે આવેલા યુવકે જીવન ટૂંકાવ્યું
શહેરકોટડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકની માનસિક સ્થિતિ, પોલીસ સ્ટેશનમાં થયેલી સમગ્ર કાર્યવાહી અને ઘટનાના અન્ય પાસાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે
અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલા ઉત્તરપ્રદેશના 38 વર્ષીય યુવકનું પોલીસ સ્ટેશનમાં જ મોત થતાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, યુવકે પોલીસ સ્ટેશનના એક રૂમમાં જઈ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે શહેરકોટડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરથી યુપી જવા નીકળ્યો હતો
મૃતક રાજુ જાટવ મૂળ ઉત્તરપ્રદેશના ખેરી જિલ્લાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તે પોતાના વતન જવા માટે મિત્ર સાથે ટ્રેનમાં નીકળ્યો હતો. ટ્રેન અસારવા પહોંચતા તે મિત્રને જાણ કર્યા વિના ટ્રેનમાંથી નીચે ઉતરી ગયો હતો.
બાદમાં રાજુએ પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરતાં પોલીસ તેને શહેરકોટડા પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પોલીસને તેણે જણાવ્યું હતું કે તે છેલ્લા કેટલાક સમયથી જામનગરના મોટી ખાવડી વિસ્તારમાં નોકરી કરતો હતો. નોકરી છૂટી જતાં અને ફરી નોકરી ન મળતાં તે તણાવમાં હોવાનું તેણે પોલીસને જણાવ્યું હતું.
પોલીસ કર્મચારીઓએ મદદ કરવાનો પ્રયાસ કર્યો
રાજુની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસકર્મીઓએ તેનું કાઉન્સેલિંગ કરાવ્યું હતું અને તેના ભાઈ સાથે ફોન પર વાત પણ કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતાં તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલવાની ખાતરી આપી હતી.
આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ તેને નાસ્તા માટે રૂપિયા આપ્યા હતા. રાજુએ પોલીસને જણાવ્યું હતું કે પૈસા આવ્યા બાદ તે સવારની ટ્રેનમાં પોતાના વતન જતો રહેશે. જેથી તેને પોલીસ સ્ટેશનના વેઇટિંગ એરિયામાં બેસાડવામાં આવ્યો હતો.
રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો
વહેલી સવારે પોલીસકર્મીઓ વ્યસ્ત હતા ત્યારે રાજુ પોલીસ સ્ટેશનના ઈલેક્ટ્રિક રૂમમાં ગયો હતો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં પોલીસકર્મી રૂમમાંથી પોતાના કપડાં અને બેગ લેવા પહોંચ્યા ત્યારે દરવાજો ન ખૂલતાં શંકા ગઈ હતી.
બારીમાંથી તપાસ કરતાં રાજુ મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
શહેરકોટડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. યુવકની માનસિક સ્થિતિ, પોલીસ સ્ટેશનમાં થયેલી સમગ્ર કાર્યવાહી અને ઘટનાના અન્ય પાસાઓ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.