વડોદરામાં બસના ગેટમાં ગળું ફસાતા બાળકનું મોત, 15 મિનિટના ગાયબ સીસીટીવી ફૂટેજે શંકા વધારી
મૃતક બાળકના પિતાએ સીસીટીવીની યોગ્ય તપાસ કરીને બાળકને ન્યાય મળે તેવી માગણી કરી છે. પોલીસ આખા મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
વડોદરાના સૂર્યનગર-તરસાલી બાયપાસથી ધન્યાવી બાજૂ જવાના માર્ગ પર આવેલા ગેરેજ રિપેરિંગ કારખાનામાં ઉભેલી લક્ઝરી બસના ઓટોમેટિક દરવાજામાં 7 વર્ષના બાળકનું ગળું ફસાતા તેનું મોત નીપજ્યું છે.
મૃતક બાળકનું નામ દિવ્યેશ રાઠવા છે. તેના પિતા રાકેશભાઈ રાઠવા મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના છે અને હાલ તરસાલી બાયપાસ પાસે એસ. આર. બાયોગેસ કંપનીમાં મજૂરી કામ કરે છે. દિવ્યેશ શાળાએથી પાછો ફર્યા બાદ મંદિરે પ્રસાદ લેવા જવાનું કહીને નીકળ્યો હતો.
થોડાક સમય બાદ અજાણ્યા લોકોએ પરિવારને આવીને બાળક લક્ઝરી બસના દરવાજા પાસે ગંભીર હાલતમાં પડયો હોવાની જાણકારી આપી હતી. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ મામલે કપુરાઈ પોલીસ સ્ટેશનનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો અને પંચનામુ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે પોલીસ તપાસમાં મળેલા સીસીટીવી ફૂટેજમાં 15 મિનિટના ગાળામાં આ દર્દનાક બનાવ બન્યો તે સમયના ફૂટેજ ગાયબ હોવાનું કહેવામાં આવે છે. તે સમયે લાઈટ જતી રહી હોવાનું પ્રાથમિક કારણ દર્શાવવામાં આવે છે. જેના કારણે શંકાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
મૃતક બાળકના પિતાએ સીસીટીવીની યોગ્ય તપાસ કરીને બાળકને ન્યાય મળે તેવી માગણી કરી છે. પોલીસ આખા મામલાની ઝીણવટભરી તપાસ કરી રહી છે.