સુરતના અઠવાગેટમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યાથી ચકચાર, દાગીના સલામત મળતાં જાણભેદુ હોવાની આશંકા
હત્યાનું ચોક્કસ કારણ અને આરોપી કોણ છે તે અંગે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટતા થઈ નથી. પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને પુરાવાના આધારે હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે
સુરત શહેરના અઠવાગેટ વિસ્તારમાં 85 વર્ષીય વૃદ્ધાની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. મોનાલિશા એપાર્ટમેન્ટમાં એકલા રહેતા આમીના મોતીવાલાની અજાણ્યા શખ્સે હત્યા કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માથામાં અસ્ત્રથી હુમલો કરી હત્યા
પ્રાથમિક માહિતી મુજબ, વૃદ્ધા આમીના મોતીવાલાના માથામાં અસ્ત્ર વડે હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ વાયરથી ટૂંપો આપી તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી.
દાગીના સલામત મળતાં પોલીસને શંકા
હત્યાની ઘટનામાં સૌથી મહત્વની બાબત એ છે કે વૃદ્ધાના દાગીના સલામત મળી આવ્યા છે. જેથી આ ઘટનામાં લૂંટના ઇરાદા કરતાં કોઈ અંગત અદાવત અથવા જાણભેદુ વ્યક્તિની સંડોવણી હોવાની આશંકા પોલીસ તપાસી રહી છે.
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ તેજ કરી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની ટીમે પણ તપાસ શરૂ કરી છે. એપાર્ટમેન્ટમાં આવતા-જતા લોકો, આસપાસના વિસ્તારના CCTV ફૂટેજ અને વૃદ્ધાના સંપર્કમાં રહેલા લોકો અંગે તપાસ કરવામાં આવી રહી છે.
હત્યાનું ચોક્કસ કારણ અને આરોપી કોણ છે તે અંગે હજુ સત્તાવાર રીતે સ્પષ્ટતા થઈ નથી. પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે અને પુરાવાના આધારે હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.