સુરતમાં ધોરણ-5ની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો!
મૃતકના પિતા વિજયે કહ્યુ કે હું અને મારી પત્ની દરરોજની જેમ કામ પર ગયા હતા. ચારેય સંતાનો ઘરે હતા. અમારી ગેરહાજરીમાં દીકરીએ આવું પગલું કેમ ભર્યું, તે સમજાતું નથી
સુરતના વરાછાની સહજાનંદ સોસાયટીમાં રહેતા વિજય કુશવાહાની ધોરણ-5માં અભ્યાસ કરતી દીકરીએ ઘરમાં જ ગળે ફાંસો ખાઈને આપધાત કરી લીધો છે. વિજય અને તેમના પત્ની કામ પર ગયા હતા, ત્યારે તેમના સંતાનો 3 દીકરીઓ અને 1 દીકરો ઘરે જ હતા.
સાંજના સમયે બાળકોને ટ્યુશન જવાનું હોવાથી આ ચારેય બાળકોના માતા ઘરે પાછા આવ્યા. પણ ઘરના દરવાજો અંદરથી બંધ હતો અને તે ખુલતો ન હોવાથી પાડોશીઓને બોલાવીને તેને તોડવામાં આવ્યો.
દરવાજો તોડયા બાદ ધોરણ-5માં ભણતી રોલી કપડા સુકવવાની દોરી પર લટકતી હાલતમાં જોવા મળી હતી. આ કપડાં સુકવવાની દોરીમાં ચુંદડી પણ બાંધેલી હતી. બાળકીને તાત્કાલિક નીચે ઉતારવામાં આવી. પણ તેનું પ્રાણપંખેરું ઉડી ચુક્યું હતું.
મૃતકના પિતા વિજયે કહ્યુ કે હું અને મારી પત્ની દરરોજની જેમ કામ પર ગયા હતા. ચારેય સંતાનો ઘરે હતા. અમારી ગેરહાજરીમાં દીકરીએ આવું પગલું કેમ ભર્યું, તે સમજાતું નથી.
મહત્ત્વપૂર્ણ છે કે આ પહેલા સુરતમાં 13 વર્ષીય સગીરે માતાના દુપટ્ટાથી ગળેફાંસો ખાઈને આપઘાત કર્યાની ઘટના બની હતી. જેમાં ભાઈ-બહેન મસ્તી કરતા હોવાથી માતાએ ઠપકો આપ્યો હતો. જેનાથી માઠું લાગતા ભાઈએ પોતાના ઘરની બહાર સીડીની ગ્રીલ પર લટકીને આપઘાત કર્યો હતો.