કચ્છના દરિયામાં મોટી દુર્ઘટના: કંડલા OTB પાસે કોલસા ભરેલું જહાજ એન્કર સાથે અથડાયું, તમામ ક્રૂ મેમ્બર્સનું દિલધડક રેસ્ક્યૂ
કોસ્ટ ગાર્ડની ટીમે દરિયામાં યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ દરિયાના પાણીમાં ડૂબી રહેલા તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે
કચ્છના કંડલા પોર્ટ નજીક આઉટર ટ્યુના બુય (OTB) વિસ્તારમાં એક મોટી દરિયાઈ દુર્ઘટના સામે આવી છે. ઈન્ડોનેશિયાથી હજારો ટન કોલસો ભરીને આવી રહેલું એક વિશાળ માલવાહક જહાજ દરિયામાં એન્કર (લંગર) સાથે જોરદાર રીતે અથડાયું હતું. આ ટક્કર એટલી ભયાનક હતી કે જહાજના તળિયાના ભાગમાં મોટું ગાબડું પડી ગયું હતું અને જોતજોતામાં જહાજમાં દરિયાના પાણી ભરાવા લાગ્યા હતા.
જીવ બચાવવા ક્રૂ મેમ્બર્સે દરિયામાં લગાવી છલાંગ
જહાજમાં પાણી ભરાવાના કારણે તે ધીમે-ધીમે દરિયામાં ડૂબવા લાગ્યું હતું. જહાજને જળસમાધિ લેતું જોઈ અંદર હાજર ક્રૂ મેમ્બર્સે ગભરાઈને પોતાનો જીવ બચાવવા માટે દરિયાના ઉછળતા મોજામાં ઝંપલાવ્યું હતું.
દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન
આ કટોકટીની સ્થિતિની જાણ થતાં જ ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને કંડલા પોર્ટનું વહીવટી તંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડની ટીમે દરિયામાં યુદ્ધના ધોરણે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. ભારે જહેમત બાદ દરિયાના પાણીમાં ડૂબી રહેલા તમામ ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. તંત્રની સમયસૂચકતાના કારણે એક મોટી જાનહાનિ ટળી છે. હાલમાં મેરિટાઈમ ઓથોરિટી દ્વારા આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.