મુંદ્રા અદાણી પોર્ટની નીતિ સામે કન્ટેનર ડેપોના માલિકોનું આંદોલન, સતત 7મા દિવસે વિરોધ યથાવત
વિરોધ દરમિયાન મુંદરાના ખાલી કન્ટેનર યાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકોના રોજગાર અને કિસાનોની જમીન પ્રભાવિત થવાની દહેશત વ્યક્ત કરાઈ છે
કચ્છ જિલ્લાના મુંદ્રા અદાણી પોર્ટની નીતિ સામે કન્ટેનર ડેપોના માલિકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. એમ્પટી કન્ટેનર યાર્ડના કોડ બંધ કરવાના વિરોધમાં સતત સાતમા દિવસે વિરોધ યથાવત છે. મોખા-વવાર હાઈવે પર ટ્રાન્સપોર્ટરોએ વાહનો રોકી આંદોલનને ટેકો આપ્યો છે.
મુંદ્રામાં APSEZ વિરુદ્ધ કોડ લોકના મુદ્દા પર ખાલી કન્ટેનર યાર્ડ સંચાલકો દ્વારા રંગોલી ગેટ સામે સતત ત્રણ દિવસ ધરણાં કર્યા બાદ આંદોલનકારીઓ પાંચમા દિવસે મોટી સંખ્યામાં મોખા ખાતે ટોલગેટ પાસે પહોંચ્યા હતા અને ટોલ ગેટ ખાતે શાંતિપૂર્ણ દેખાવો કરીને અદાણી પોર્ટ તરફ જતાં વાહનચાલકોને પણ પોતાની સાથે લડતમાં જોડાવાની હાકલ કરી હતી.
એમ્પ્ટી પાર્ક એસો.ના પ્રમુખ હરશ્યામસિંહ પરમાર તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન મહેન્દ્રભાઈ ગઢવી ઉપરાંત બહોળી સંખ્યામાં એકત્રિત વેપારીઓએ નવી વ્યવસ્થાથી માત્ર યાર્ડ સંચાલકો જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે રોજગારી મેળવતા અનેક લોકો મુશ્કેલીમાં મુકાઈ શકતા હોવા બાબત પર વિસ્તૃત પ્રકાશ પાડી ખેડૂતોની જમીનોનો ઉપયોગ પણ અસરગ્રસ્ત બની બિનઉપયોગી સાબિત થવાની ભીતિ વ્યક્ત કરી હતી તેમજ માંગણીઓનો યોગ્ય અને સુખદ ઉકેલ ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
એમ્પ્ટી પાર્ક એસોસિએશન વતી કિશોરસિંહ પરમારે પ્રથમ મુન્દ્રા કસ્ટમ દ્વારા સેઝને જાહેર કરાયેલ પ્રથમ દરખાસ્ત મીડિયા કર્મીઓ સમક્ષ મૂકતાં SEZ સંચાલકોને આપવામાં આવેલી દરખાસ્તનું ખોટું અર્થઘટન કરીને નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં તેમણે આજ સુધી સેઝ બહારના ખાલી કન્ટેનર યાર્ડ પૈકી એકમાં પણ કોઈ ગેરકાયદેસર ગતિવિધિ પ્રકાશમાં આવી ન હોવાનું ભારપૂર્વક જણાવતા આ નિર્ણયથી મુંદરાના ખાલી કન્ટેનર યાર્ડના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકોના રોજગાર અને કિસાનોની જમીન પ્રભાવિત થવાની દહેશત વ્યક્ત કરી હતી