બિલ્ડિંગ પ્લાનમાં વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત બનશે, ભૂગર્ભજળ માટે ગુજરાતમાં નવો કાયદો બનશે
ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ વપરાશકારો પર વોટર ચાર્જ વસૂલવામાં આવશે. કારખાના અને ફેક્ટરીઓએ ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા પહેલા મંજૂરી લેવી પડશે. જો કે કૃષિ ક્ષેત્રને આમાથી મુક્ત રાખવામાં આવ્યું છે.
ભૂગર્ભ જળનો ઉપયોગ નિયંત્રિત કરવાના ઉદેશ્યથી ગુજરાત સરકાર વિધાનસભાના ચોમાસું સત્ર દરમિયાન ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ, 2026 લાવવાની તૈયારીમાં છે. સૂત્રો મુજબ, રાજ્ય સરકાર ભૂગર્ભ જળને ખાનગી મિલકત ગણવાને બદલે તેને સાર્વજનિક સંપત્તિ ગણીને વપરાશ પર નિયંત્રણ માટે નવો કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. આની પાછળનું કારણ રાજ્યમાં ઘટી રહેલું ભૂગર્ભ જળસ્તર કારણભૂત માનવામમાં આવે છે.
સંભવિત ગુજરાત ગ્રાઉન્ડવોટર બિલ, 2026માં પીવાના પાણી, ખેતી અને આજીવિકા માટે ભૂગર્ભ જળને પ્રાથમિકતા અઅપાશે. આ સિવાય ભૂગર્ભજળને પ્રદૂષિત કરનારા, કે ગેરકાયદેસર રીતે જમીનમાંથી પાણી ખેંચનારાઓને જેલ અથવા કડક દંડ ફટકારવાની જોગવાઈ પણ નવા સંભવિત કાયદામાં કરવામાં આવશે.
સૂત્રો મુજબ, રાજ્યમાં સરકાર ગુજરાત સ્ટેટ ગ્રાઉન્ડવોટર રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવીને ભૂગર્ભજળના વપરાશ પર દેખરેખ રાખવા માટેની વ્યવસ્થા બનાવશે. આ આથોરિટી ભૂગર્ભ જળના સંતુલિત અને ટકાઉ વપરાશ માટેની નીતિઓનો અમલ કરવાની જવાબદારી પણ સંભાળશે.
આ સંભવિત કાયદામાં ભૂગર્ભ જળ પ્રદૂષિત કરવા બદલ રૂપિયા એક લાખ સુધીનો દંડ થઈ શકે છે. સંરક્ષિત ક્ષેત્રમાંથી ગેરકાયદે પાણી ખેંચવા બદલ રૂ. 10 લાખ સુધીનો દંડ થઈ શકે છે. પાણી પ્રદૂષિત કરનારા કે ગેરકાયદેસર વપરાશ કરનારાઓને દંડની સાથે જેલની સજા પણ થઈ શકે છે. તેમજ વરસાદી પાણીના સંચય માટેની સિસ્ટમ ન લગાવનાર સામે પણ દંડ અને જેલની જોગવાઈ રહેશે.
ઔદ્યોગિક તેમજ કોમર્શિયલ વપરાશકારો પર વોટર ચાર્જ વસૂલવામાં આવશે. કારખાના અને ફેક્ટરીઓએ ભૂગર્ભ જળનો ઉપયોગ કરતા પહેલા મંજૂરી લેવી પડશે. જો કે કૃષિ ક્ષેત્રને આમાથી મુક્ત રાખવામાં આવ્યું છે.
આ સંભવિત કાયદા હેઠળ ગ્રામ્ય સ્તરથી લઈને રાજ્ય સ્તર સુધી જુદીજુદી સમિતિઓ બનાવીને ભૂગર્ભ જળ સંસાધનોનું નિરીક્ષણ કરવા માટે વિકેન્દ્રીત વ્યવસ્થાનો પણ પ્રસ્તાવ છે. નિક સ્તરે પાણી બચાવવા માટે દરેક ગ્રામ પંચાયત, તાલુકા, નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા માટે 'વોટર સિક્યોરિટી પ્લાન' તૈયાર કરવામાં આવશે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, વરસાદી પાણીનો સંગ્રહ અને વપરાયેલા પાણીનું રિસાયક્લિંગ ફરજિયાત બનાવવામાં આવશે. બિલ્ડિંગ પ્લાનમાં વોટર હાર્વેસ્ટિંગની જોગવાઈ કર્યા પછી જ તેને મંજૂરી આપવામાં આવશે.