દ્વારિકાધીશ ભગવાન શ્રીકૃષ્ણના દર્શનની તસ્વીર શેયર કરીને PM મોદીએ પાઠવી જન્માષ્ટમીની શુભેચ્છાઓ
વડાપ્રધાને આ પાવન પર્વ નિમિત્તે દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી
જન્માષ્ટમીના તહેવારને લઈને દેશ-દુનિયાના કૃષ્ણભક્તોમાં ઉત્સાહનો માહોલ છે. ભગવાન શ્રીકૃષ્ણના મંદિરોમાં આજે ભારે ભીડ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. આ ખાસ પ્રસંગે તેમણે દ્વારિકાધીશ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના દર્શનની દિવ્ય તસવીરો સોશયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર કરી છે.
પોસ્ટ શેર કરતા PM મોદીએ ભગવદ્ ગીતાના અમર સંદેશનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય સંદેશમાં નિઃસ્વાર્થ કર્મની અદભૂત પ્રેરણા સમાયેલી છે, જે યુગો-યુગોથી સમગ્ર માનવતાનું સાચું માર્ગદર્શન કરતી આવી છે. ગીતાનો 'કર્મના સિદ્ધાંત' પર આધારિત આ જ્ઞાન આજે પણ દરેક વ્યક્તિને પોતાના કર્તવ્ય પથ પર સતત આગળ વધવાની પ્રેરણા પૂરી પાડે છે.
વડાપ્રધાને આ પાવન પર્વ નિમિત્તે દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ અને ઉત્તરોત્તર પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ અને ઉપાસનાનો આ પર્વ સૌના જીવનમાં નવી સકારાત્મક ઊર્જા, ઉત્સાહ અને શક્તિનો સંચાર કરે. આ સાથે જ તેમણે ભગવાન શ્રીકૃષ્ણની સ્તુતિ અને મહિમા વર્ણવતો એક સંસ્કૃત શ્લોક પણ સોશિયલ મીડિયા પર શેર કરીને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.