રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ભડકો, સિંગતેલમાં 50 રુ. અને કપાસિયા તેલમાં 25 રૂ. વધ્યા
હાલ વરસાદ ખેંચાયો છે અને તેને કારણે બજારમાં નવી મગફળી અને કપાસની નવી આવક બિલ્કુલ બંધ થઈ ચુકી છે
જન્માષ્ટમીનો તહેવાર પૂર્ થઈ ગયો છે. તેમ છતાં ખાદ્યતેલના બજારમાં ભાવવધારાનો ભડકો જોવા મળ્યો છે. રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓના બજેટ બગડયા છે.
હાલ વરસાદ ખેંચાયો છે અને તેને કારણે બજારમાં નવી મગફળી અને કપાસની નવી આવક બિલ્કુલ બંધ થઈ ચુકી છે.
બીજી તરફ માર્કેટમાં સિંગલેતલ અને કપાસિયા તેલની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. આવક બંધ થવા અને માંગ વધવાના બેવડા કારણોસર સિંગતેલના ભાવમાં ડબ્બે રુ. 50 અને કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રુ. 25નો વધારો ઝીંકાયો છે.
આ નવા ઉછાળા સાથે બજારમાં સિંગતેલના ડબ્બાનો ભાવ 3050 રૂપિયા અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2850 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે. જેના કારણે લોકોના ઘરના બજેટ પર સીધી અસર પડી છે.