કચ્છના બન્નીમાં 20 કાળિયારનું પુન:સ્થાપન, ચિત્તાના આગમન પહેલા ઈકોસિસ્ટમ મજબત કરાશે
અગાઉ અને તાજતરમાં મળીને 200થી વધુ કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં પુનર્સ્થાપિત કરવામાં આવ્યા છે
કચ્છ જિલ્લના બન્નીમાં ચિત્તા સંરક્ષણ અને સંવર્ધન પ્રોજેક્ટ હેઠળ ઈકોસિસ્ટમ મજબૂત કરવાની સાથે પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સ્વતંત્રતા દિવસે 20 કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં મુક્ત કરવામાં આવ્યા છે. મુક્ત કરવામાં આવેલા કાળિયારમાં 5 નર અને માદાનો સમાવેશ થાય છે.
બન્ની વિસ્તારમાં છોડવામાં આવેલા આ 20 કાળિયારનું સેટેલાઈટ ટેગથી સતત મોનિટરિંગ કરવામમાં આવશે. આ સાથે બન્નીમાં ચિત્તાના આગામનની પણ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે.
બન્ની ગ્રાસલેન્ડના નાયબ વનસંરક્ષક નેવીલ ચૌધરી મુજબ, કાળિયારને વિશેષ એમ્બ્યુલન્સ દ્વારા જામનગરથી કચ્છ લાવવામમાં આવ્યા હતા. પુરતી તબીબી તપાસ અને હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેમને બન્નીના કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. નવા વાતાવરણમાં અનુકૂલન માટે બોમા અને સોફ્ટ રિલીઝ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યુ કે ચિત્તા માટે અનુકૂળ ઈકોસિસ્ટમ ઉભી કરવા બગડીયા વિસ્તારમાં 660 એકરમાં વિવિધ દેશી ઘાસનું વેવાતર કરવામાં આવ્યું છે. તેની સાથે પશુ હોસ્પિટલ, દવા-સાધનો અને તબીબોની ટીમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વનવિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે અગાઉ અને તાજતરમાં મળીને 200થી વધુ કાળિયારને બન્નીના ગ્રાસલેન્ડમાં પુનર્સ્થાપિત કરવામાં આવ્યા છે. કાળિયાર જેવા તૃણાહારી પ્રાણીઓની હાજરીથી ઘાસિયા મેદાનનું કુદરતી પુનર્જીવન ઝડપી બનશે અને ચિત્તા માટે અનુકૂળ પર્યાવરણ તૈયાર થશે.