અમદાવાદમાં ટેલેન્ટ ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગમાં 8ના મોત, 15થી વધુ ઘાયલ
અમદાવાદના વસ્ત્રાલના મહેમુદાપુરા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ધડાકાના અવાજો દૂરદૂર સુધી સંભળાતા ભયનો માહોલ સર્જાયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની અને રાજ્ય સરકારે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી.
અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલ-ગતરાડા રોડ પર આવેલી એક ફટાકડા ફેક્ટરીમાં આગ ફાટી નીકળતા 8 લોકો જીવતા ભડથું થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ગેરકાયદેસર ફટાકડાં ફેક્ટરીમાં આગ લાગતા થયેલા વિસ્ફોટનો અવાજ 5 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. શ્રમિકોના દેહના ચીથરા ઉડયા હતા.

ફાયરબ્રિગેડની 5 ગાડીઓ-એમ્બ્યુલન્સે બચાવ કામગીરી કરી
આગની જાણકારી સાંપડતા ફાયરબ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે તાત્કાલિક ધસી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની સાથે બચાવ કામગીરી શરૂ કરી હતી. તેની સાથે જ એમ્બ્યુલન્સો પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને દુર્ઘટનામાં ઘાયલ થયેલાઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.
અધિકારીઓ મુજબ ફેક્ટરીમાં આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ મૃતકોની સંખ્યામાં વધારાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્રે આખા વિસ્તારને સુરક્ષિત કરવાની કાર્યવાહી કરીને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરી છે. ફેક્ટરીમાં સલામતીના નિયમોના પાલન અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
અમદાવાદના વસ્ત્રાલના મહેમુદાપુરા વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં આગ લાગ્યા બાદ ધડાકાના અવાજો દૂરદૂર સુધી સંભળાતા ભયનો માહોલ સર્જાયો હતો.
માહિતી મુજબ, આ ફેક્ટ્રીનું સંચાલન મહેલુ ડોડિયા નામના શખ્સ દ્વારા કરાતું હતું.
દુર્ઘટના બાદ અમદાવાદના મેયર, મ્યુનિસિપલ કમિશનર સહીતના મનપાના અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
પીએમ મોદીએ સંવેદનાઓ વ્યક્ત કરી
આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને પોતાના સંદેશમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના વ્યક્ત કરતા જણાવ્યુ છે કે આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત થયેલા પરિવારોની સાથે કેન્દ્ર સરકાર ઉભી છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબૂ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત નિધિ (PMNRF)માંથી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેકના વ્યક્તિના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક સહાય અપાશે. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને 50 હજારની સહાય અપાશે. સરકારે અસરગ્રસ્ત પરિવારોને શક્ય તમામ મદદ પુરી પાડવાની ખાતરી પણ આપી છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કરતા કહ્યુ છે કે મૃતકોના આત્માને ઈશ્વર શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી ઉંડી સંવેદના છે. પ્ભાવિતોને તમામ જરૂરી મદદ અને સારવાર પુરી પાડવામાં આવી છે. દુર્ઘટનામાં ઘાયલો ઝડપી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. તેની સાથે જ ગુજરાત સરકાર તરફથી તેમણે મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે. જ્યારે ઈજાગ્રસ્તોને રાજ્ય સરકાર 50 હજાર રૂપિયાની સહાય કરશે.