સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 600ની ક્ષમતાવાળી ક્રૂઝ લોન્ચ થશે, નર્મદામાં ગુજરાતનું પ્રથમ ફ્લોટિંગ વેડિંગ ડેસ્ટીનેશન બનશે
અગાઉ સફળતાપૂર્વક ચાલી રહેલી 200 પ્રવાસીઓની ક્ષમતાવાળી ક્રૂઝની લોકપ્રિયતા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નવી વિશાળ ક્રૂઝ ઉમેરાઈ છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નર્મદા નદીમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ ક્રૂઝ બોટના લોન્ચિંગની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. 260 ટનની વજનની અને 600થી વધુ લોકોની કેપેસિટી ધરાવતી આ ક્રૂઝ ગુજરાતમાં પ્રથમવાર આ જળમાર્ગ પર વેડિંગ ડેસ્ટિનેશનની ઓળખ પણ મેળવશે.
તમામ જરૂરી સુરક્ષા ધોરણો અને પૂર્વ મંજૂરીઓ પછી ટૂંક સમયમાં જ આ ભવ્ય ક્રૂઝ સેવા પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે. તાજેતરમાં બોટની પૂજા કરીને તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ક્રૂઝનું નિર્માણ નર્મદા કિનારે આશરે 14 માસમાં 12 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.
બોટનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે અને સપ્ટેમ્બરના આખર સુધીમાં ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ તે પ્રવાસીઓની સેવામાં ઉપલબ્ધ થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની વર્ષગાંઠ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ક્રૂઝબોટનું વિધિવત લોકાર્પણ થવાની શક્યતા છે.
પ્રવાસીઓ માટે દરરોજ ક્રૂઝ સફરની ટિકિટ રૂ. 413 રાખવામાં આવી છે, જેમાં એક સાથે 600 મુસાફરો પ્રવાસનો આનંદ માણી શકશે. જ્યારે સાંજના ડિનર વિથ ક્રૂઝ માટે પ્રતિ વ્યક્તિ રૂ. 1,416 ટિકિટ નક્કી કરવામાં આવી છે, જેમાં 250થી વધુ લોકો ભાગ લઈ શકશે.
અગાઉ સફળતાપૂર્વક ચાલી રહેલી 200 પ્રવાસીઓની ક્ષમતાવાળી ક્રૂઝની લોકપ્રિયતા અને વધતી માંગને ધ્યાનમાં રાખીને આ નવી વિશાળ ક્રૂઝ ઉમેરાઈ છે.