તરણેતરના ભાતીગળ મેળામાં ‘ગ્રામીણ ઓલિમ્પિક’નો ધમધમાટ, રાજ્યભરમાંથી ખેલાડીઓ ઉમટ્યા
સાતોડી, કબડ્ડી, વોલીબોલ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલી ‘લાડવા ખાવાની હરીફાઈ’ પણ યોજાઈ હતી
સુરેન્દ્રનગરના વિશ્વપ્રસિદ્ધ તરણેતર મેળામાં આ વખતે સાંસ્કૃતિક રંગોની સાથે દેશી રમતોનો પણ અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. મેળા દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ‘ગ્રામીણ ઓલિમ્પિક’નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ખેલાડીઓ મોટી સંખ્યામાં ભાગ લેવા તરણેતર પહોંચ્યા છે.
વરસાદ વચ્ચે પણ ખેલાડીઓનો ઉત્સાહ યથાવત
ગ્રામીણ ઓલિમ્પિકના પ્રથમ દિવસે વરસાદે વિઘ્ન સર્જ્યું હતું. તેમ છતાં ખેલાડીઓનો ઉત્સાહ ઓછો થયો નહોતો. વરસાદ વચ્ચે પણ ગોળાફેંકની સ્પર્ધા સફળતાપૂર્વક યોજાઈ હતી અને ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણના જણાવ્યા મુજબ, વરસાદની પરિસ્થિતિ વચ્ચે પણ ખેલાડીઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો.
બીજા દિવસે દેશી રમતોનો રંગ
મેળાના બીજા દિવસે વાતાવરણને અનુકૂળ રાખીને સાતોડી, કબડ્ડી, વોલીબોલ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનેલી ‘લાડવા ખાવાની હરીફાઈ’ પણ યોજાઈ હતી.
આ રમતોમાં ભાગ લેવા માટે વડોદરા, સાણંદ, જૂનાગઢ, સુરત સહિત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓ તરણેતર પહોંચ્યા હતા.
ત્રીજા દિવસે કુસ્તી અને રસ્સાખેંચનો રોમાંચ
ગ્રામીણ ઓલિમ્પિકના ત્રીજા દિવસે એટલે કે 16 સપ્ટેમ્બરે કુસ્તી અને રસ્સાખેંચ જેવી પરંપરાગત દેશી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોમાં પણ મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લે તેવી અપેક્ષા છે.
પરંપરાગત રમતોના આયોજનથી તરણેતર મેળામાં આવનારા લોકો માટે પણ એક અલગ પ્રકારનું આકર્ષણ ઊભું થયું છે.
ખેલાડીઓને ટી-શર્ટ, કેપ અને રોકડ પુરસ્કાર
ગ્રામીણ ઓલિમ્પિકમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટી-શર્ટ અને કેપ આપવામાં આવી રહ્યા છે. જ્યારે વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા ખેલાડીઓને સ્થળ પર જ રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવે છે.
દેશી રમતોને જીવંત રાખવાનો પ્રયાસ
ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ ઉપરાંત ગ્રામીણ ઓલિમ્પિક જેવા આયોજનો થકી ગ્રામ્ય વિસ્તારોમાં રહેલી રમત પ્રતિભાઓને આગળ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પરંપરાગત દેશી રમતો અને સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવાની સાથે ગ્રામ્ય સ્તરે છુપાયેલી પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે માટે આવા આયોજનો મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. પ્રતિભાશાળી ખેલાડીઓને તાલીમ, સુવિધા અને આર્થિક સહાય દ્વારા રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે આગળ વધવાની તક મળે તે દિશામાં પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તરણેતરનો મેળો જ્યાં એક તરફ ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિની ઝલક રજૂ કરે છે, ત્યાં આ વર્ષે ‘ગ્રામીણ ઓલિમ્પિક’ના કારણે દેશી રમતો અને રમતગમતના ઉત્સાહનો પણ અનોખો રંગ જોવા મળી રહ્યો છે.