RSSમાં સેવા આપવા કચ્છના પોલીસ કોન્સ્ટેબલે રાજીનામું આપ્યું! CJPના આંદોલન બાદ કર્યો નિર્ણય!
પોલીસ કોન્સ્ટેબલે પોતાના રાજીનામામાં જણાવ્યું છે કે તાજેતરમાં થયેલ જંતર-મંતર આંદોલન બાદ સંઘ સરકાર વધુ મજબૂત બને તેવા ઉદેશ્યથી હું કાયમી માટે તેમને સમર્થન આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (R.S.S.)માં સેવા આપવા માંગું છું
કચ્છ જિલ્લાના આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે આરએસએસમાં સેવા આપવા માટે નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે. તાજેતરમાં જંતર-મંતર ખાતે નીટ-યુજી પરીક્ષાના પેપર લીક કાંડ મામલે કોકરોચ જનતા પાર્ટી દ્વારા દેખાવો થયા હતા અને તેના પછી ધર્મેન્દ્ર પ્રધાને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું. તેથી આ પોલીસ કોન્સ્ટેબલ સંઘ - સરકાર વધુ મજબૂત બને તેવા ઉદેશ્યથી કાયમ માટે તેમને સમર્થન આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સેવા આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 1925થી ભારત અને ભારતના લોકોની સેવામાં લાગેલો છે. તેના કામથી પ્રભાવિત થઈને આડેસર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ રામગર ગુસાઈએ રાજીનામું આપ્યું છે. રામગર ગુસાઈ 2019થી પોલીસ સેવામાં હતા.
રાજીનામામાં પોલીસ કોન્સ્ટેબલે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષકને ઉદેશીને લખ્યું છે કે જય ભારત સાથે જણાવવાનું કે અમો રામગર મોહનગર ગુસાઈ બ. નંબર-119 આપના તાબા હેઠળના આડેસર, પોલીસ સ્ટેશન, પૂર્વ-કચ્છ ખાતે ફરજ બજાવીએ છીએ. આપ સાહેબને જણાવવાનું કે હું મારા પદ પરથી રાજીનામું આપું છું. જે સ્વીકાર છે. કારણ કે તાજેતરમાં થયેલ જંતર-મંતર આંદોલન બાદ સંઘ સરકાર વધુ મજબૂત બને તેવા ઉદેશ્યથી હું કાયમી માટે તેમને સમર્થન આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (R.S.S.)માં સેવા આપવા માંગું છું.

પોલીસ કોન્સ્ટેબલની નોકરી છોડનારા રામગર ગુસાઈએ કહ્યુ છે કે 2029માં મોદી સરકાર અને સંઘ સરકાર નહીં બને ત્યાં સુધી પગમાં પગરખાં નહીં પહેરું. મારું આખું જીવન આરએસએસમાં વિતાવવા માંગુ છું.