"મકાન ફાળવો નહીંતર ચંડોળા તળાવમાં રહેવા જઈશું": મકાન ફાળવણી માટે 200 અસરગ્રસ્તોએ રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કર્યો
ચંડોળા તળાવના અસરગ્રસ્તોને 6 મહિના બાદ પણ આવાસની ફાળવણી નહીં, પૂર્વ વિપક્ષ નેતા સહિત 200થી વધુ લોકોએ રિવરફ્રન્ટ હાઉસનો ઘેરાવ કર્યો
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ આવાસની રાહ જોઈ રહેલા 200થી વધુ અસરગ્રસ્તોએ આજે સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો. કોર્પોરેશન દ્વારા આવાસ ફાળવવા માટે અસરગ્રસ્તો પાસેથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા, પરંતુ ફોર્મ ભરાવ્યાને 6 મહિનાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં મકાન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ ન થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષના નેતા શહેજાદખાન પઠાણની આગેવાનીમાં લોકો બેનરો સાથે રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી ગયા હતા.
અસરગ્રસ્તો કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે, કમિશનર નીચે આવીને લોકોને મળ્યા ન હતા. મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં રિવરફ્રન્ટ હાઉસના દરવાજા પોલીસે બંધ કરી દીધા હતા. આ દરમિયાન ‘હાય રે કમિશનર, હાય હાય’ અને ‘હાય રે કોર્પોરેશન, હાય હાય’ના નારા લગાવવામાં આવ્યા હતા. નાગરિકોએ ઘર સામે ઘર આપવાની માગ સાથે સ્થળ પર જ બેસી રહેવાની જાહેરાત કરી હતી.
શહેજાદખાન પઠાણે જણાવ્યું હતું કે ચંડોળા તળાવ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલાં બાંગ્લાદેશીઓની સાથે ભારતીય નાગરિકોના પણ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ભારતીય નાગરિકોને પુરાવાના આધારે આવાસ આપવાની વાત કરવામાં આવી હતી. હાઇકોર્ટ અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ અંગે ઠરાવ કરવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી એક પણ વ્યક્તિને મકાન ફાળવવામાં આવ્યું નથી.
મકાન નહીં મળે ત્યાં સુધી દર મહિને 10 હજાર રૂપિયા ભાડું આપવા માગ
શહેજાદખાન પઠાણે કહ્યું હતું કે મકાનો તોડી પાડવામાં આવ્યા બાદ અનેક અસરગ્રસ્ત પરિવારો હાલ બહાર ભાડાના મકાનમાં રહેવા મજબૂર બન્યા છે. જ્યાં સુધી મકાન ફાળવવામાં ન આવે ત્યાં સુધી કોર્પોરેશન દ્વારા દર મહિને 10 હજાર રૂપિયા ભાડું આપવામાં આવે તેવી તેમની માગ છે. કમિશનર તરફથી ભાડું આપવાની ખાતરી નહીં મળે ત્યાં સુધી લોકો રિવરફ્રન્ટ હાઉસની બહાર બેસી રહેશે તેવી પણ તેમણે જાહેરાત કરી હતી.
વિરોધ દરમિયાન ચંડોળા તળાવના એક અસરગ્રસ્ત પરિવારની નાની બાળકીને પણ લઈને શહેજાદખાન પઠાણ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. એક અસરગ્રસ્તે આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમની પાસે ઘર નથી, તેથી તેઓ કમિશનરની ઓફિસ બહાર ખાવા માટે આવ્યા છે. જો ઝડપથી મકાન નહીં આપવામાં આવે તો આગામી મહિને તમામ અસરગ્રસ્તો પોતાનો સામાન લઈને કમિશનરના ઘરે રહેવા જવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
આવાસ ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ
વિરોધ દરમિયાન આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ગેરરીતિ થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ગરીબોને તેમનો હક મળતો નથી અને ખાનગી બિલ્ડરો હાઉસિંગ વિભાગ સાથે મળીને કરોડો રૂપિયા કમાઈ રહ્યા હોવાનો આક્ષેપ શહેજાદખાન પઠાણે કર્યો હતો. ભાજપ ગરીબોના હક છીનવવાનો પ્રયાસ કરી રહ્યું હોવાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો.
2,231 અસરગ્રસ્તોએ ફોર્મ ભર્યાં, 413 પાસે બે માન્ય પુરાવા
બીજી તરફ, કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ રમેશે આવાસ ફાળવણી અંગેની પ્રક્રિયાની માહિતી આપી હતી. તેમના જણાવ્યા મુજબ ચંડોળા તળાવના અસરગ્રસ્તો પાસેથી કુલ 2,231 ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ફોર્મ સાથે 50 રૂપિયા ફી અને 7,500 રૂપિયા ડિપોઝિટ લેવામાં આવી હતી. કોર્પોરેશન દ્વારા ફોર્મની ચકાસણી કરતાં 413 પરિવારો પાસે બે માન્ય પુરાવા, 874 પરિવારો પાસે એક માન્ય પુરાવો, જ્યારે 944 પરિવારો પાસે કોઈપણ પ્રકારનો માન્ય પુરાવો ન હોવાનું સામે આવ્યું છે.
413 પરિવારો માટે રાજ્ય સરકારની મંજૂરીની પ્રક્રિયા
અધિકારીના જણાવ્યા મુજબ બે માન્ય પુરાવા ધરાવતા 413 પરિવારોને આવાસ યોજનાના મકાનો ફાળવવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરવામાં આવ્યો છે. આ માટે રાજ્ય સરકારની મંજૂરી લેવાની પ્રક્રિયા ચાલી રહી છે. આવાસ માટે લાભાર્થી પાસેથી નિયત ફી લેવામાં આવ્યા બાદ ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
કમિશનરનું કહેવું- મકાન ફાળવણીની પ્રક્રિયા ચાલી રહી છે
વિરોધ વચ્ચે કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે અસરગ્રસ્તોને મકાન ફાળવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને જરૂરી મંજૂરી મેળવવામાં થોડો સમય લાગી રહ્યો છે. મકાનો કઈ જગ્યાએ ફાળવવાના છે તે માટે જગ્યા શોધવાની કામગીરી પણ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. અસરગ્રસ્તોએ અગાઉ ભરેલી 7,500 રૂપિયાની રકમ તેમને પરત નહીં જાય અને તે રકમ તેમને મળશે તેમ પણ કમિશનરે જણાવ્યું હતું.
જોકે, અસરગ્રસ્તોનું કહેવું છે કે મકાન ફાળવવાની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે તેની સ્પષ્ટતા કરવામાં આવી નથી. જેના કારણે લાંબા સમયથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોમાં અસંતોષ છે. શહેજાદખાન પઠાણે ચીમકી આપી હતી કે જો અસરગ્રસ્તોને મકાન નહીં આપવામાં આવે તો તેઓ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની લડત લડશે અને પોતે પણ આ પરિવારો માટે કોર્ટમાં જશે.