અમદાવાદ: થલતેજમાં એક્ટિવાને ડમ્પરે ટક્કર મારી, માતાની સામે 12 વર્ષની સગીરાનું મોત
એસ. જી. 1 ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ડમ્પર ચાલકની ધરપકડ કરીને ડમ્પરને જપ્ત કર્યું છે.
અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક એક્ટિવાને ડમ્પરે ટક્કર મારતા માતા સાથે જઈ રહેલી એક 12 વર્ષની સગીરાનું મોત નીપજ્યું છે.
થલતેજ પાસે ડમ્પરે એક્ટિવાને હડફેટે લીધી હતી. જેમાં માતા સાથે એક્ટિવા પર જઈ રહેલી 12 વર્ષની આરાધ્યા બારોટે તેની માતાની નજર સામે જ જીવ ગુમાવ્યો હતો. જ્યારે તેના નાના ભાઈને આ અકસ્માતમાં ઈજા પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પટિલમાં ખસેડવામાં આવ્યો છે. આ ડમ્પરે અગાઉ પણ એક અકસ્માતમાં 2 લોકોના જીવ લીધા હતા.
મૃતક આરાધ્યા બારોટ વસ્ત્રાપુરની સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. સ્કૂલ છૂટયા બાદ એક્ટિવા પર તેની માતા, આરાધ્યા અને તેનો નાનો ભાઈ જઈ રહ્યા હતા.
આ ઘટનામાં એસ. જી. 1 ટ્રાફિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ડમ્પર ચાલકની ધરપકડ કરીને ડમ્પરને જપ્ત કર્યું છે. બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ આટે હોસ્પિટલમાં મોકલીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.