હે 'જનોઈધારી' રાહુલ ગાંધીજી! સંસદ પરિસરમાં આવી ભવાઈ કરવા કરતા અયોધ્યા રામમંદિર જઈ આવ્યા હોત તો...
જે વ્યક્તિ જનોઈધારી હિંદુ હોવાનો દાવો કરે છે, પણ ક્યારેય રામમંદિર નિર્માણની જેણે તરફદારી કરી નથી અને તેના સ્થાને જેની કુળ-પરંપરા બાગ-એ-બાબરમાં જઈને બાબરની કબર સામે ફતિયા પઢવાની રહી હોય. જે ક્યારેય હજી સુધી અયોધ્યામાં રામમંદિરમાં દર્શન કરવા ગયો નથી. તે આવી રીતે સનાતન-હિંદુ ધર્મની મજાક ઉડાવતી રાજકીય ભવાઈમાં દાન આપવાનો દેખાડો કરીને પોતાની રાજકીય લાલસાને પુરી કરતો જોવા મળે છે. શું દેશના હિંદુઓ આને પણ જોતા નથી?
અયોધ્યામાં રામજન્મભૂમિ પર લાંબા સંઘર્ષ બાદ બનેલા પવિત્ર રામમંદિરમાં દાનની ચોરીનો મામલો અક્ષમ્ય છે અને તેમાં સંડોવાયેલા કોઈને બક્ષવા ન જોઈએ. આને લઈને તપાસ પણ થઈ રહી છે અને દરેક હિંદુ-સનાતની-રામભક્ત આવા કાંડથી દુખી છે.
પણ આ કાંડને રાજકીય હથિયાર બનાવીને હિંદુ-સનાતન ધર્મની મજાક ઉડાવવી બિલકુલ યોગ્ય રાજકીય શિરસ્તો નથી. રામમંદિરમાં દાનચોરીના મામલે વિપક્ષે વહીવટદારો અને પ્રશાસન સંબંધિત લોકો પાસે આકરો જવાબ માંગવો જોઈએ. પણ એમાં ફરક સમજવો જોઈએ કે દાનચોરોની સામે આક્રોશ વ્યક્ત કરવામાં સનાતન-હિંદુ ધર્મની મજાક ઉડે નહીં અને તેની ગરિમા સાથે કોઈ છેડછાડ કરી બેસે નહીં.
હવે મામલો છે, વિપક્ષન સાંસદો દ્વારા રામમંદિર દાનચોરી મામલે સંસદ પરિસરમાં કરવામાં આવેલા ડ્રામાનો. આ એવા સાંસદો દ્વારા ડ્રામા કરાયો કે જેમણે રામમંદિર બનાવવા પહેલા કરવામાં આવેલા સંઘર્ષમાં હંમેશા હવનમાં હાંડકા નાખવાનું કામ કર્યું છે અને આમાના કોઈ અપવાદને બાદ કરતા ડ્રામામાં સામેલ વિપક્ષી સાંસદ અયોધ્યામાં બનેલા રામમંદિરમાં ભગવાન રામલલાના દર્શન કરવા ગયા હશે.
આ ડ્રામામાં પૂર્ણિયાથી લોકસભાના સાંસદ પપ્યૂ યાદવ સાધુવેશમાં દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહીતના ઘણાં સાંસદો આ ડ્રામાબાજીમાં સામેલ થાય છે. દેખાવ દરમિયાન એખ દાનપેટી રાખેલી હોય છે, તેમાં રાહુલ ગાંધી દાન નાખે છે. નાટકમાં સાધુ વેશે રહેલા પપ્પૂ યાદવ દાનપેટી લઈને ભાગતા દેખાય છે. તેના પછી વિપક્ષી સાંસદો તેમને રોકવા અને ચોર-ચોરના સૂત્રો લગાવવાનો અભિનય કરતા દેખાય છે.
વિપક્ષી સાંસદોનું કહેવું છે કે આ દેખાવ કથિત ચઢાવા ચોરી અને જુદાંજુદાં મુદ્દાઓ પર સરકારનો જવાબ માંગવા માટે કરવામાં આવ્યું છે. દેખાવ દરમિયાન વિપક્ષી સાંસદો કેન્દ્ર સરકાર અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરે છે. સાંસદોએ અમિત શાહ સદનમાં આવો, જવાબ દો, ચઢાવા ચોરી નહીં ચેલેગી અને પેપર ચોરી નહીં ચલેગી જેવા સૂત્રો લગાવ્યા છે. દેખાવમાં જુદાજુદા રાજકીય અને જાહેર મુદ્દાઓને જોડવામાં આવ્યા છે.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યુ છે કે સંસદ અને તેના પરિસરની ગરિમાને જાળવી રાખવી સાંસદોની જવાબદારી છે. તેમણે સલાહ આપી છે કે સંસદ પરિસરમાં વેશ બદલીને આવવાથી બચવું અને સંસદીય મર્યાદાનું પાલન કરવું. આ ઘટના બાદ લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. જો કે વિપક્ષે દેખાવને લોકશાહી વિરોધનો હિસ્સો ગણાવ્યો છે અને કહ્યુ છેકે તેઓ વિભિન્ન મુદ્દાઓ પર સરકાર પાસે જવાબ માંગતા રહેશે.
હવે કેટલાક સવાલો પણ ઉઠી રહ્યા છે-
સનાતન-હિંદુ ધર્મની ધાર્મિક માન્યતાઓ અને વિશ્વાસને અત્યાર સુધી ઠેકઠેકાણે ઉતારી પાડવામાં આવતી હતી. પરંતુ આ પરિપાટી હવે સંસદ પરિસર સુધી પહોંચી છે. સંસદની ગરિમા તો જળવાવી જ જોઈએ, પણ તેની સાથેસાથે સંસદ જેવા લોકશાહીના સર્વોચ્ચ સ્થાન પર ભારતના બહુમતી સનાતની-હિંદુઓ અને તેમના સનાતન-હિંદુ ધર્મની ગરિમા પણ કેમ ન જળવવી જોઈએ?
શું સનાતન - હિંદુ ધર્મ સિવાય કોઈ અન્ય ધર્મનો આવો મામલો હોત, તો આવી રીતે રાજકીય ભવાઈ થઈ હોત?
જે વ્યક્તિ જનોઈધારી હિંદુ હોવાનો દાવો કરે છે, પણ ક્યારેય રામમંદિર નિર્માણની જેણે તરફદારી કરી નથી અને તેના સ્થાને જેની કુળ-પરંપરા બાગ-એ-બાબરમાં જઈને બાબરની કબર સામે ફતિયા પઢવાની રહી હોય. જે ક્યારેય હજી સુધી અયોધ્યામાં રામમંદિરમાં દર્શન કરવા ગયો નથી. તે આવી રીતે સનાતન-હિંદુ ધર્મની મજાક ઉડાવતી રાજકીય ભવાઈમાં દાન આપવાનો દેખાડો કરીને પોતાની રાજકીય લાલસાને પુરી કરતો જોવા મળે છે. શું દેશના હિંદુઓ આને પણ જોતા નથી?
રામમંદિરના જેઓ તરફદાર હતા, તેમની નાકની નીચે રામમંદિરમાં દાનચોરી થઈ છે. આ ગુનો છે, શ્રદ્ધાની હત્યા કરવા સમાન બાબત છે. પણ દાનચોરીનો મામલો લઈને સનાતન-હિંદુ ધર્મને મજાકનું પાત્ર બનાવવો ક્યાં સુધી યોગ્ય છે?
રાહુલ ગાંધી ભાવિ વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ થવા માટે ભલે આવા રાજકીય તિકડમો ચલાવો અને તેમાં ભાગ લો. પણ યાદ રાખો ભારતમાં અત્યાર સુધી કોઈપણ વડાપ્રધાન બન્યા છે, તો તેને ભારતના લોકોએ બનાવ્યા છે. ભારતના લોકોમાં સનાતન-હિંદુઓની હજી 80 ટકા જેટલી બહુમતી છે. એટલે તમારે વડાપ્રધાન બનવું હશે તો રાહુલ ગાંધી તમને સનાતની-હિદુઓના વોટ નહીં જોતા હોય?
આના કરતા રાહુલ ગાંધી તમે સીધા જેવી રીતે પીએમ આવાસ પર પહોંચ્યા હતા, તેવી રીતે અયોધ્યામાં રામમંદિરમાં જઈને દાનચોરી મામલે કોઈ દેખાવ કરવા ન જઈ શક્યા હોત? ભગવાન રામલલાના દર્શન કરીને તમે રામમંદિર નિર્માણ દરમિયાન હવનમાં હાડકાં નાખવાના વલણનું પ્રાયશ્ચિત ન કરી શક્યા હોત?
ભારતમાં નાના-મોટા રાજકીય-આર્થિક લાભો માટે લોકો પોતાના ધર્મ-જાતિ-ઓળખની સાથે બાંધછોડ કરતા રહે છે. આ સિલસિલો સદીઓ જૂનો છે. આવા જ સાંસદોને સનાતની -હિંદુ ધર્મની ગરિમા આવી રાજકીય ભવાઈમાં યાદ કેમ ન આવી?
આના કરતા તો સારું હોત કે રાહુલ ગાંધી લોકસભાના વિપક્ષના નેતાની રુએ અયોધ્યામાં રામમંદિર ખાતે વિપક્ષી સાંસદોને લઈને ભગવાન રામલલાના દર્શન કરવા જાય અને રામદરબારની નિશ્રામાં ભારતના વડાપ્રધાનનને ત્યાં બોલાવીને ભારતીયોના 493 વર્ષના સંઘર્ષ બાદ બનેલા ભવ્ય રામમંદિર પરિસરમાં તેમની પાસે દાનચોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટેની ખાત્રી લેત. પણ આવું નહીં કરવા પાછળ રાહુલ ગાંધી અને વિપક્ષની મુસ્લિમ વોટો માટેની રાજકીય લાલચ તો કારણભૂત નથી ને? કે તેમની સનાતની - હિંદુ ધર્મ અને ભગવાન રામમાં કોઈ આસ્થા જ નથી?