ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સરકારી ક્વાર્ટરમાં નકલી વિદેશી દારુની મની ફેક્ટ્રી ઝડપાઈ, રેલવેકર્મી સહીત 3 એરેસ્ટ
પોલીસની પ્રાથમિક તપાસમાં આ સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારુ તૈયાર કરીને તેને બોટલમાં ભરીને પેક કરવાની કામગીરી થતી હોવાની વિગતો સામે આવી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર શહેરમાં લઠ્ઠાકાંડ બાદ હાદાનગર રેલવે કોલોનીમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં વિદેશી દારુનું બનાવટી યુનિટ ધમધમતું હોવાનો ખુલાસો થયો છે. લોકલ ક્રાઈમ બ્રાંચ (એલસીબી)ની ટીમે રેલવે કર્મચારીના સરકારી ક્વાર્ટરમાં દરોડો પાડીને દારુ બનાવવા અને બોટલોને પેક કરવાની સામગ્રી જપ્ત કરી છે. એલસીબી પોલીસે રેલવેકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધીને પૂછપરછની તજવીજ હાથ ધરી છે.
એલસીબીએ રેલકર્મી અક્ષયરાજસિંહના સરકારી ક્વાર્ટર પર દરોડો પાડયો હતો. ત્યારે સ્થળ પરથી વિદેશી દારુના ચપટા, ઈમ્પિરિયલ બ્લૂની બોટલના સ્ટીકરો તેમજ બોટલોને સીલપેક કરવા માટેના મશીનો મલ્યા હતા. દારુ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું હોવાનું જણાયેલું કેમિકલ પણ સ્થળ પરથી મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારુ તૈયાર કરીને તેને બોટલમાં ભરીને પેક કરવાની કામગીરી થતી હોવાની વિગતો સામે આવી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એલસીબીની તપાસમાં અક્ષયરાજસિંહ અને વિજય ઉર્ફે મયંક ભાગીદારીમાં દારુ બનાવવાની ફેક્ટ્રી ચલાવતાા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે જિતેન્દ્ર ખાવડિયાને પગારદાર કર્મચારી તરીકે રાખવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પૂછપરછ દરમિયાન આરોપીઓએ કેરબામાં રહેલું કેમિકલ ઢોળી નાખ્યું હોવાનું સ્વીકાર્યું હોવાની માહિતી પણ સામે આવી છે. જોકે, કેમિકલ સહિત કબજે કરાયેલા તમામ મુદ્દામાલની તપાસ બાદ ડુપ્લિકેટ દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. LCB પોલીસે રેલવે કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળેલા મુદ્દામાલના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ભાવનગરમાં અગાઉ લઠ્ઠાકાંડ બાદ દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કામગીરી ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી એક વખત સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનું યુનિટ ઝડપાતા પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.