સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા મળી વિસ્ફોટની ધમકી, નિશાના પર દિલ્હી HC સહીત 6 સ્થાન
ઈમેલ પર મળેલી ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે
સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલા બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે. દિલ્હી હાઈકોર્ટને મળેલા એક ઈમેલમાં બોમ્બ વિસ્ફોટની ધમકી આપવામાં આવી છે. આની જાણકારી મળતા જ દિલ્હી પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ચુકી છે. હાઈકોર્ટ પરિસર સહીત જુદીજુદી જગ્યાઓ પર સર્ચ ઓપરેશન તીવ્ર બનાવી દેવાયું છે.
અન્ય રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે દિલ્હી એરપોર્ટ, દિલ્હી હાઈકોર્ટ, ઝંડેવાલાન બિલ્ડિંગ સહીત 6 સ્થાનો પર બોમ્બ વિસ્ફોટની ધમકી મળી છે. ઈમેલ પર મળેલી ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે અને તપાસ શરૂ કરી દીધી છે.
દિલ્હી પોલીસ મુજબ, ફાયર કંટ્રોલ રૂમને દિલ્હી હાઈકોર્ટ સિવાય દિલ્હી કેન્ટ એસડીએમ ઓફિસમાં સવારે 11.18 વાગ્યે, દિલ્હી એરપોર્ટના ટર્મિનલ-3 પર 11.32 વાગ્યે, જામનગર હાઉસ પર 11.40 વાગ્યે, સાકેત એસડીએમ ઓફિસ પર 11.42 વાગ્યે, ઝંડેવાલાન પર 11.57 વાગ્યે બોમ્બ વિસ્ફોટની ધમકી મળી હતી. આ તમામ સ્થાનો પર દિલ્હી પોલીસ, બોમ્બ સ્ક્વોર્ડ, ફાયર બ્રિગેડની ટીમ પહોંચીને તપાસ કરી રહી છે.
બોમ્બ વિસ્ફોટની ધમકી મળ્યા બાદ દિલ્હી હાઈકોર્ટના રજીસ્ટ્રાર જનરલ દિલ્હી પોલીસના સંપર્કમાં છે. દિલ્હી હાઈકોર્ટના જોઈન્ટ સેક્રેટરી , એડવોકેટ કુણાલે કહ્યુ છે કે બોમ્બની ધમકી ખોટી લાગી રહી છે. બધું જ નિયંત્રણમાં છે. બોમ્બ સ્ક્વોર્ડ અને સ્નીફર ડોગ્સ સંપૂર્ણ પરિસરની તપાસ કરી રહ્યા છે.
ધમકીની માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસે તલાશી અભિયાન ઝડપી અને કડકાઈપૂર્ણ બનાવ્યું છે. જો કે દિલ્હી પોલીસના તલાશી અભિયાનમાં અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળવાની માહિતી સામે આવી નથી.