ફાયરબ્રિગેડ આગ બુઝાવવાના સ્થાને BJP MLAની કાર ધોઈ રહી છે! જુઓ સિંગરૌલીનો વાયરલ વીડિયો
દેશના વડાપ્રધાન પોતાને પ્રધાનસેવક ગણાવે છે. પણ તેમની જ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના મધ્યપ્રદેશના સિંગરૌલીના ધારાસભ્ય રામનિવાસ શાહ કદાચ આવું સમજતા નથી.
સત્તા ભ્રષ્ટ બનાવે છે અને સંપૂર્ણ સત્તા સંપૂર્ણપણે ભ્રષ્ટ બનાવે છે. ભારત લોકશાહી દેશ છે અને જનપ્રતિનિધિઓ ભારત તથા ભારતના લોકોના માલિક નથી. પણ તેમનો વ્યવહાર જનસેવકના સ્થાને માલિક જેવો જ હોય છે. દેશના વડાપ્રધાન પોતાને પ્રધાનસેવક ગણાવે છે. પણ તેમની જ પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રામનિવાસ શાહ કદાચ આવું સમજતા નથી.
મધ્યપ્રદેશના સિંગરૌલી જિલ્લાનો એક વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં ભાજપના ધારાસભ્ય રામનિવાસ શાહના ઘરની બહાર ઉભેલી તેમની કાર ફાયરબ્રિગેડના વાહનથી ધોવાય રહી છે. વીડિયો સામે આવ્યા બાદ આને લઈને ઘણાં સવાલો ઉઠી રહ્યા છે. સરકારી સંસાધનોનો દુરુપયોગની આ મોટી ઘટના છે. આગ બુઝાવવા માટેના ફાયરબ્રિગેડના વાહનથી ધારાસભ્યશ્રી પોતાની કાર ધોવડાવી રહ્યા છે.
વાયરલ વીડિયોમાં ફાયર બ્રિગેડના વાહનથી પાઈપ દ્વારા કાર પર પાણી નાખવામાં આવી રહ્યું છે. મામલો ધારાસભ્યના બિલૌંજી ખાતેના શાસકીય આવાસની બહારનો હોવાનું જણાવાય રહ્યું છે. ફાયરબ્રિગેડ જેવી ઈમરજન્સી સેવાનો ઉપયોગ અંગત વાહનને ધોવડાવામાં કરાય રહ્યો હોવાની તસ્વીર સામે આવ્યા બાદ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે આખરે સરકારી વાહન અને કર્મચારીઓેને અંગત કામમાં લગાવવાની મંજૂરી કોણે આપી?
સરકારી મશીનરી જનતાની સેવા માટે છે કે વીઆઈપીની સુવિધા માટે? જો કે આ મામલામાં નગરનિગમના કમિશનર સવિતા પ્રધાનથી માંડીને ધારાસભ્ય રામનિવાસ શાહ સુધીના સૌ કોઈ બોલવાથી બચી રહ્યા છે. કાર વોશિંગનો વીડિયો હવે સોશયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેની સાથે ફાયરબ્રિગેડના ઉપયોગની મંજૂરીને લઈને પણ સ્થિતિ સ્પષ્ટ નથી.
મહત્ત્વપૂર્ણ છે કે રામનિવાસ શાહ સિંગરૌલી વિધાનસભા બેઠક ક્રમાંક-80 પરથી ભાજપના ધારાસભ્ય છે. તેઓ 2023માં વિધાનસભાની ચૂંટણીમાં પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચૂંટણી પંચના આંકડા મુજબ, તેમને 74,669 વોટ મળ્યા હતા અને તેમણે કોંગ્રેસના રેણુ શાહને 37,977 વોટની સરસાઈથી હરાવ્યા હતા.