વડોદરાની માંજલપુર બેઠક પર ફરીથી ભગવો લહેરાયો, સતીષ પટેલની 30,499ની સરસાઈથી જીત
માંજલપુર વિધાનસભા બેઠક 2008માં નવી બની હતી.તે ભાજપનો ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા.
ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન બાદ ખાલી પડેલી વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર ફરી એકવાર ભાજપનો ભગવો લહેરાયો છે. પેટાચૂંટણીમાં ભાજપના સતીષ પટેલે 30.499 વોટની સરસાઈથી જીત મેળવી છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને 24,585 મત મળ્યા છે. આશ્ચર્યજનક રીતે નોટામાં 2,223 વોટ પડયા છે.
માંજલપુર બેઠકની પેટાચૂંટણી જીત્યા બાદ ભાજપના જીતેલા ઉમેદવાર સતીષ પટેલે ભવ્ય વિજયયાત્રા કાઢી હતી.
ભાજપના ઉમેદવાર સતીષ પટેલે કહ્યુ કે માંજલપુરની જનતાએ યોગેશ કાકાને સહકાર આપ્યો તે જ રીતે મને પણ આપ્યો છે. તો કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીએ હાર સ્વીકારતા કહ્યુ કે ભાજપે આખરી સમયે ભયનું વાતાવરણ ઉભું કર્યું.
મહત્ત્વપૂર્ણ છે કે માંજલપુર વિધાનસભા બેઠક પર 30 જુલાઈએ યોજાયેલી પેટાચૂંટણીમાં માત્ર 37.05 ટકા વોટિંગ થયું. આજે આ બેઠક પર 19 રાઉન્ડની મતગણતરીના અંતે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
માંજલપુર વિધાનસભા બેઠક 2008માં નવી બની હતી.તે ભાજપનો ગઢ રહી છે. સ્વ. યોગેશ પટેલ આ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતા. 2022માં યોજાયેલી ચૂંટણીમાં આ બેઠક પર 60 ટકા વોટિંગ થયું હતું અને યોગેશ પટેલને 1,20,133 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તશ્વિન સિંહને 19,379 વોટ મળ્યા હતા.
સીટિંગ એમએલએ યોગેશ પટેલના નિધન બાદ યોજાયેલી પેટાચૂંટણીમાં પ્રચાર માટે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટિલથી માંડીને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ પ્રમુખ સહીતના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતર્યા હતા. મતદાનના દિવસે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામરીની ઘટના થઈ હતી. કોંગ્રેસે આદર્શ આચાર સંહિતાના ભંગની ફરિયાદ પણ નોંધાવી હતી.