બારડોલી સુગર મિલની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલની પ્રચંડ જીત, ભાજપના પૂર્વ મંત્રીની હાર
સહકાર પેનલના ઉમેદવાર એવા બારડોલી સુગરના કાર્યકારી પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલની હાર થઈ છે અને પરિવર્તન પેનલના સતીષ પટેલને જીત મળી છે.
સહકારી ક્ષેત્રે એશિયામાં સૌથી મોટી ગણાતી બારડોલી સુગર મિલની ચૂંટણીમાં વર્ચસ્વ ધરાવતી સહકાર પેનલની પરિવર્તન પેનલ સામે મોટી હાર થઈ છે. 15 સદસ્યોના નિયામક મંડળની ચૂંટણીમાં 14 બેઠકો પર કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોની જીતે સૌને ચોંકાવ્યા છે. માત્ર એક જ બેઠક પર સહકાર પેનલના એક ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે.
આ ચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ઈશ્વરભાઈ પરમારને 542 વોટથી મળેલી હારે સૌને આશ્ચર્યમાં નાખી દીધા છે. વર્ષોથી સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વ ધરાવતા આગેવાનો સામે સાવ નવા ચહેરાની જીતને સહકારી ક્ષેત્રમાં કોઈક અલગ આંતરપ્રવાહ તરફના સંકેત માનવામાં આવે છે.
આ ચૂંટણીમાં સહકાર પેનલના ઉમેદવાર એવા બારડોલી સુગરના કાર્યકારી પ્રમુખ અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશ પટેલની હાર થઈ છે અને પરિવર્તન પેનલના સતીષ પટેલને જીત મળી છે.
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં 14 બેઠકો પર પરિવર્તન પેનલના ઉમેદવારો જીત્યા છે. જેમમાં ઓરણા બેઠક પરથી અનિલ પટેલ, સેવણી બેઠક પરથી ચેતન પટેલ, પુણા બેઠક પરથી પ્રફુલ્લ પટેલ, મોતા બેઠક પરથી શૈલેષ પટેલ, નિઝર બેઠક પરથી રુપેશ ભક્તા, બારડોલી બેઠક પરથી વિનોદ પટેલ, ખરવાસા પથી ભૂપેન્દ્રસિંહ સોલંકી, શામપુરાથી કિરીટ પટેલ, એના બેઠક પરથી અતુલ પટેલ, તુંડી બેઠક પરથી મુકેશ નગીન પટેલ અને મોટી ફણોદ બેઠક પરથી પંકજ પટેલને જીત મળી છે.
મહિલા અનામત બેઠક-1 પરથી પરિવર્તન પેનલના ઉષા પ્રવીણ અને મહિલા અનામત બેઠક-2 પરથી પરિવર્તન પેનલના ઉષા પટેલને જીત મળી છે. જ્યારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ બેઠક પરથી તરન વાઘેલાને જીત મળી છે.
બારડોલી સુગર નિયામક મંડળની 15 બેઠકોમાંથી સહકાર પેનલના એકમાત્ર ઉમેદવાર અનિલ પટેલ તરજકા બેઠક પરથી બિનહરીફ ચૂંટાયા છે.