ડિવોર્સી મહિલા સાથે લિવ-ઈનમાં રહેતા નિમેષ ભંડારીનો 12મા માળેથી કૂદીને આપઘાત, પરિવારે કહ્યું-શંકાસ્પદ છે મોત
મૃતકે ગત મોડી રાત્રે લિવ-ઈન પાર્ટનર આશાની મિત્ર કાજલના ઘરે જઈને રાત્રે 1.39 વાગ્યાની આસપાસ 12મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું
રાજકોટના રૈયાગામ સ્મશાન નજીક આવેલી 13 માળની પામ યુનિવર્સિટી બિલ્ડિંગના 12મા માળેથી કૂદીને 42 વર્ષીય નિમેષ ભંડારીએ આપઘાત કર્યો છે. એક દીકરો અને એક દીકરી એમ બે સંતાનનો પિતા નિમેષ છેલ્લા અઢી વર્ષથી આશા પાડલીયા નામની ડિવોર્સી મહિલા સાથે મૈત્રી કરાર કરીને રહેતો હતો. નિમેષ આશાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડિંગમાં રહેતી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. કાજલ અને આશા બંને મિત્રો છે અને તેથી નિમેષ અને આશા તેના ઘરે ઘણીવાર બેસવા માટે જતા હતા.
મૃતકે ગત મોડી રાત્રે લિવ-ઈન પાર્ટનર આશાની મિત્ર કાજલના ઘરે જઈને રાત્રે 1.39 વાગ્યાની આસપાસ 12મા માળેથી નીચે ઝંપલાવ્યું હતું. મૃતકના પરિવારનું કહેવું છે કે આત્મહત્યા કરી કે શું કર્યું અમને ખ્યાલ નથી. શંકાસ્પદ મોત હોય તેવું લાગે છે. અમે તો પહેલીવાર ત્યાં ગયા હતા, બીજી અમને ખબર નથી. પણ સવાલ એ પણ ઉભો થયો છે કે નિમેષ તેની સ્ત્રી મિત્રની બહેનપણીના ઘરે કેમ ગયો હતો?
ગઈકાલે રાત્રે જ્યારે નિમેષ કાજલના ઘરે પહોંચ્યો ત્યારે ઘરના તમામ સભ્યોને હતું કે નિમેષ રુમમાં સુઈ ગયો છે. જો કે મોડી રાત્રે કાજલની પુત્રી પાણી પીવા જાગી ત્યારે તેણે જોયું કે નિમેષ રુમમાં નથી. ત્યારે શોધખોળ કરતા નિમેષ ગેલેરીમાંથી બિલ્ડિંગના નીચેના ભાગે પછડાયેલી હાલતમાં જોવા મળ્યો હતો.
નિમેષના લગ્ન રેખા સાથે થયા અને તેમને બે સંતાન છે. કૌટુંબિક વિવાદમાં માતાપિતાએ નિમેષને બે વર્ષથી ઘરમાંથી કાઢી મૂક્યો હતો અને હાલ તેની પત્ની રેખા તેના બંને બાળકો સાથે સાસુ-સસરા સાથે જ રહે છે.
મૃતક નિમેષ ભંડારી રાજકોટ શહેર ભાજપ વોર્ડ નંબર-17નો આગેવાન હોવાનું પણ સામે આવ્યું છે. અગાઉ તે આ વોર્ડમાં કિસાન મોરચાના સદસ્ય તરીકેની જવાબદારી પણ નિભાવતો હતો. થોડો સમય નિમેષ ભંડારી આમ આદમી પર્ટી સાથે જોડાયો હતો અને બાદમાં ભાજપમાં પ્રવેશ કર્યો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે મુજબ, નિમેષ ભંડારી માત્ર ભાજપ કાર્યકર્તા તરીકે પક્ષમાં જોડાયેલા હતા. હાલમાં તેમને કોઈ હોદ્દો આપવામાં આવ્યો ન હતો.
નિમેષ ભંડારીના ભાજપના નેતાઓ આગેવાનો સાથેના ફોટા પણ સામે આવ્યા છે અને વિસ્તારમાં રોડ રસ્તાના ખાતમુહૂર્ત કે પેવરબ્લોક કામના લોકાર્પણ જેવા કાર્યક્રમોમાં હાજરી આપતા હોવાના ફોટા પણ સોશયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા.