અમદાવાદમાં પોલીસનું 'શસ્ત્ર છોડો, શાંતિ જોડો' અભિયાન, 477 શસ્ત્રો સ્વેચ્છાએ કરાયા સરન્ડર
આ કાર્યવાહીનો ઉદેશ્ય માત્ર ગેરકાયદેસર હથિયારો કબજે કરવાનો નથી, પરંતુ સમાજમાં હિંસા અને ભયના બદલે શાંતિ, સલામતી અને કાયદાના પાલન પ્રત્યેની ભાવના વધુ મજબૂત કરવાનો છે
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ સુદ્રઢ બને તેની સાથે નાગરિકોમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ સતત જળવાઈ રહે તેના માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌતના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર-1 નીરજકુમાર બડગૂજર દ્વારા પોતાના કાર્યક્ષેત્ર હેઠળના પોલીસ સ્ટેશનોના વિસ્તારોમાં શસ્ત્ર છોડો શાંતિ જોડો અભિયાન ચલાવાયું છે.
સેક્ટર -1ના નાયબ પોલીસ કમિશનર ઝોન-1 હર્ષદકુમાર પટેલ, ઝોન-2ના ભરતકુમાર રાઠોડ, ઝોન-3ના રૂપલબહેન સોલંકી અને ઝોન-7ના શિવમ વર્માએ પોલીસ ઈન્સ્પેક્ટરો દ્વારા નાગરિકોને ગેરકાયદેસર રીતે રાખવાામાં આવેલા તલવાર છરી, ચપ્પા, લાકડી, પાઈપ જેવા ઘાતક હથિયારો સ્વેચ્છાએ સમર્પણ કરવા માટે જાહેરમાં જાહેરાતો કરાવી હતી. જેમાં ઝોન-1 કાર્યક્ષેત્ર હેઠળ 93, ઝોન-2માં 85, ઝોન-3મા 61 અને ઝોન-7માં 238 એમ કૂલ મળીને સેક્ટર-1માં કુલ 477 હથિયારો સ્વેચ્છાએ સમર્પણ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
આ કાર્યવાહીનો ઉદેશ્ય માત્ર ગેરકાયદેસર હથિયારો કબજે કરવાનો નથી, પરંતુ સમાજમાં હિંસા અને ભયના બદલે શાંતિ, સલામતી અને કાયદાના પાલન પ્રત્યેની ભાવના વધુ મજબૂત કરવાનો છે.
આ સાથે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે તેઓ ગેરકાયદેસર હથિયારો રાખે નહીં કે તેનો ઉપયોગ કરે નહીં તથા કોઈપણ વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર હોવાની માહિતી મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરે.

શસ્ત્ર છોડો, શાંતિ જોડો અભિયાનને સફળ બનાવવા નાગરિકો પોલીસને સહકાર આપે તેવી પણ અમદાવાદ પોલીસ દ્વારા અપીલ કરાઈ છે.