ભાજપની શિસ્તના ધજાગરા, સો. મીડિયાની કોમેન્ટને લઈને પાર્ટીના બે જૂથો વચ્ચે લોહિયાળ મારામારી- જુઓ Video
મારામારીની ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે
ભાજપને શિસ્તબદ્ધ અને કેડરબેઝ પાર્ટી માનવામાં આવે છે. પણ વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ગણાતા ભાજપની શિસ્તના લીરેલીરા તેને સૌથી વધુ ઊંચાઈ આપનારા મોડલ સ્ટેટ ગુજરાતની સડકો પર ઉડયા છે.
વડોદરાના ડભોઈ તાલુકાના ભીલાપુરા ગામમાં સોશયલ મીડિયા પોસ્ટની કોમેન્ટને લઈને ભાજપના બે જૂથો જાહેરમાં એકબીજા સાથે છૂટાં હાથની મારામારી કરતા જોવા મળ્યા. આ મારામારીમાં કેટલાક કાર્યકર્તાઓને લોહી નીકળે તેવી ઈજાઓ પણ થઈ છે. ઘણાંના કપડાં પણ ફાટી ગયા છે. આ ભાજપની શિસ્તના ધજાગરા ઉડાડતો આ વીડિયો સોશલ મીડિયા પર પણ વાયરલ થયો છે.
વડોદરા જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલના ફેસબુક પેજ પર કરવામાં આવેલી એક કોમેન્ટને લઈને બંને જૂથો વચ્ચે પહેલા બોલાચાલી અને પછી મારામારી થઈ હતી. સૂત્રો મુજબ, બંને જૂથો વચ્ચે લાંબા સમયથી અદાવત છે. જેમાં સોશયલ મીડિયા પરની કોમેન્ટે મામલો બિચકાવ્યો.
ઈજાગ્રસ્ત પરેશ પટેલના કહેવા મુજબ, ભીલાપુર ગામની ભાગોળે ડેપ્યુટી સરપંચ અને અન્ય લોકો બેઠાં હતા. ત્યારે જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલ અને તેમના સાથીદારો ત્યાં પહોંચ્યા હતા. ફેસબુક પર દારુ-જુગાર બાબતે મૂકેલી પોસ્ટમાં કરેલી કોમેન્ટને લઈને બોલાચાલી થઈ હતી. ત્યારે પાછળથી કોઈએ મારા માથામાં મારી દીધું. તેના કારણે હું બેભાન જેવો થઈ ગયો.
વડોદરા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન ભાવેશ પટેલે જણાવ્યું કે, ભીલાપુર વિસ્તારના સસ્તા અનાજની દુકાનનું લાયસન્સ રદ થતા વિવાદ થયો હતો. જે મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી. ગામના રેશનકાર્ડધારકોએ કુપન ન મળવાની સમસ્યા અંગે ગ્રામજનોની રજૂઆત બાદ પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી. અમે અનાજના સંચાલકના લાયસન્સ રદ્દ થવા મુદ્દે થયેલા વિવાદ અંગે રજૂઆત કરી હતી. સરપંચ અને ગ્રામજનો સાથે આયુષ્માન કાર્ડના કેમ્પ અંગેની બેઠક પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે ગામથી આશરે 200 મીટર દૂર ગાડી રોકીને 8થી 10 લોકોના ટોળાએ અચાનક ઘેરાવ કર્યો હતો. ગાડીના દરવાજા ખોલીને અંદર બેઠેલા લોકોને બહાર ખેંચી મારામારી કરી હતી.
મારામારીની ઘટનામાં 4 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે વડોદરા SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ડભોઇ પોલીસ તાત્કાલિક ભીલાપુર ગામે પહોંચી હતી. પોલીસે ઘટના અંગે સ્થળ તપાસ હાથ ધરી બંને પક્ષોની માહિતી મેળવવાની શરૂઆત કરી છે.