ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા કોન્સ્ટેબલનો આપઘાત, ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચુક્યા છે. જો કે આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પ્રકારનું આખરી પગલું કેમ ભર્યું તે અંગે કારણ હજી સુધી સામે આવ્યું નથી
ગાંધીનગરમાં સેક્ટર-3ડીમાં રહેતા અને શાહીબાગ પોલીસ મુખ્યમથકમાં ફરજ બજાવતા 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ જ્હાનવી ડાભીએ પોતાના જ ઘરે પંખે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે.
મૃતક મહિલા કોન્સ્ટેબલ રાત્રિની ડ્યૂટી પૂર્ણ કરીને પોતાના ઘરે પરત ફર્યા હતા અને તેમણે અગમ્ય કારણસર આ પગલું ભર્યું. આ મામલે સેક્ટર 7ની પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ કરી રહી છે. તપાસમાં ઉજાગર થયું છે કે મૃતક મહિલા કોન્સ્ટેબલના ડિવોર્સ થઈ ચુક્યા છે અને તેમના ઈંસ્ટાગ્રામ પર 25 હજારથી વધુ ફોલોઅર્સ છે.
જ્હાનવી ડાભી ડ્યૂટી પુરી કરીને પોતાના ઘરે પહોંચ્યા અને મોડી રાત સુધી તેઓ રૂમમાંથી બહાર નહીં આવતા પરિવારજનોએ દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ પ્રતિસાદ નહીં મળતા આસપાસના લોકોની મદદથી અંદર જઈને તપાસ કરતા જ્હાનવીબેન રુમમાં પંખા સાથે દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતાવસ્થામાં મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહને નીચે ઉતારીને પંચનામાની કાર્યવાહી કરીને પોસ્ટમોર્ટમ માટે લાશને ખસેડી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે 28 વર્ષીય જ્હાનવીબેનના અગાઉ ડિવોર્સ થઈ ચુક્યા છે. જો કે આટલી નાની વયે અને પોલીસ વિભાગ જેવી ગંભીર નોકરી સાથે જોડાયેલા મહિલા કર્મચારીએ આ પ્રકારનું આખરી પગલું કેમ ભર્યું તે અંગે કારણ હજી સુધી સામે આવ્યું નથી.
સેક્ટર-7ની પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને પરિવારજનો, મિત્રો અને સહકર્મીઓની પૂછપરછ હાથ ધરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ આ અંગે ખરું કારણ બહાર આવશે.