વિશ્વ શક્તિશાળીને જોવે છે, કમજોરને નહીં: સંઘ પ્રમુખ મોહન ભાગવત
મોહન ભાગવતે કહ્યુ કે આજે સમગ્ર વિશ્વ ભારતની વાતને ગંભીરતાથી સાંભળી રહ્યું છે અને સ્વીકારી રહ્યું છે, જેનું મુખ્ય કારણ દેશની આર્થિક પ્રગતિ અને મજબૂત વિદેશ નીતિ છે
આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવત દ્વારા રાજસ્થાનના નાગોરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલા નિવેદનથી વૈશ્વિક સ્તરે ભારતની વધતી શક્તિ અને સાર્વભૌમત્વ અંગેની ચર્ચા ફરી તેજ બની છે. મોહન ભાગવતે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિદ્રશ્યમાં શક્તિ અને સામર્થ્ય જ સૌથી મહત્ત્વના પરિબળો છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે સામર્થ્યની અનિવાર્યતા પર વાત કરતા કહ્યુ કે કોઈપણ રાષ્ટ્ર માટે તેની આર્થિક, સૈન્ય અને વ્યૂહાત્મક શક્તિ એ સૌથી પહેલી અને પ્રાથમિક જરૂરિયાત છે. શક્તિ વગર આદર્શોનું પાલન કરાવવું મુશ્કેલ બને છે.
તેમણે વૈશ્વિક સ્તરે ભારતના દબદબાની વાત પણ કરી અને કહ્યુ કે આજે સમગ્ર વિશ્વ ભારતની વાતને ગંભીરતાથી સાંભળી રહ્યું છે અને સ્વીકારી રહ્યું છે, જેનું મુખ્ય કારણ દેશની આર્થિક પ્રગતિ અને મજબૂત વિદેશ નીતિ છે.
મોહન ભાગવતે વાસ્તવિકતાનો સ્વીકાર કરવાનું જણાવતા કાર્યક્રમમાં કહ્યુ કે વૈશ્વિક રાજકારણ માત્ર સિદ્ધાંતો કે આદર્શો પર નથી ચાલતું, પરંતુ દુનિયા હંમેશા શક્તિશાળી દેશોના પ્રભાવ અને સાર્વભૌમત્વને જ આદર આપે છે.