અમદાવાદના રસ્તાને રનવે સમજી પોર્શેને પ્લેનની જેમ ઉડાડનાર 'પાયલટ' એરેસ્ટ
નવરંગપુરા પોલીસે ફરિચાદ નોંધીને કારને જપ્ત કરી છે અને ગાંધીનગરના લીંબડિયાથી 24 વર્ષીય અરકાન તિરમિઝીને એરેસ્ટ કર્યો છે
અમદાવાદમાં રસ્તા કંઈ રનવે નથી. પણ આ રસ્તાઓને રનવે સમજીને પોર્શે કારને પ્લેનની જેમ ચલાવનારા પાયલટ યુવક અરકાન તિરમિઝીની ધરપકડ કરવામાં આવી છે.
લૉ ગાર્ડન પાસે પુરઝડપે મોંઘીદાડ પોર્શે કાર 100થી વધુ સ્પીડે દોડી હતી અને તેમાં બે યુવકોના જીવ સહેજમાં બચી ગયા હતા. અરકાન તિરમિઝીએ પ્લેનની જેમ પોર્શે ઉડાડી હોય તેવી રીતે તે નીકળી હતી.
તેનાથી લોકો ફફડી ગયા હતા. યુવકોની અરજીના પગલે નવરંગપુરા પોલીસે ફરિચાદ નોંધીને કારને જપ્ત કરી છે અને ગાંધીનગરના લીંબડિયાથી 24 વર્ષીય અરકાન તિરમિઝીને એરેસ્ટ કર્યો છે. આ સિવાય 300ની સ્પીડે કાર ચલાવતા વાયરલ વીડિયોની પણ તપાસ હાથ ધરાઈ છે.

એસસીજી હોસ્પિટલથી લૉ ગાર્ડન પાસેના માર્ગ પર શ્રેયાંશ નામનો યુવક કામ પતાવીને ગાડીમાં જઈ રહ્યો હતો, ત્યારે પુરઝડપે એક પોર્શે કાર નીકળી હતી. આ કારની સ્પીડ એટલી હતી કે શ્રેયાંશનો જીવ માંડ બચ્યો હતો. શ્રેયાંશની ગાડીના ડેશ કેમમાં પુરઝડપે જઈ રહેલી પોર્શે ગાડીનો વીડિયો કેદ થયો હતો. શ્રેયાંશે તેના આધારે પોલીસને અરજી આપી હતી.
અરજીના બે દિવસ બાદ વીડિયો વાયરલ થયા બાદ નવરંગપુરા પોલીસે તપાસ શરૂ કરી પોર્શે કારનો નંબર મેળવ્યો હતો. નંબરના આધારે કારમાલિકને પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો. કાર માલિક આવતા પોલીસે કાર જપ્ત કરીને કારચાલક સામે બેદરકારીપૂર્વક લોકોના જીવ જોખમમાં મૂકાય તે અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.
આ બનાવ બાદ અરજી કરનાર યુવક શ્રેયાંશને કારચાલકે સંપર્ક કરીને પોતાની પાયલટ તરીકેની ઓળખ આપી હતી અને બનાવ વખતે કારની સ્પીડ 110 હોવાની પણ કબૂલાત કરી હતી. કારચાલકે અરજી પરત લેવા માટે ખૂબ ધમપછાડા કર્યા હતા.