અમદાવાદ-ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ, આજે અપાયું છે ઓરેન્જ એલર્ટ
અમદાવાદ શહેરમાં ચાલુ મોનસૂનમાં અત્યાર સુધીમાં સરેરાશ 24 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે
અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદી માહોલ છે. વાદળછાયા વાતાવરણ અને ઘુમ્મસને કારણે ઓછી વિઝિબિલિટીને કારણે સવારે નોકરી-ધંધા પર જઈ રહેલા લોકોને મુશ્કેલી થઈ હતી. હવમાન વિભાગે શહેરમાં સવારે 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ આપ્યું છે. ઓરેન્જ એલર્ટ હેઠળ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ શહેરમાં મોડી રાત્રિથી ઝરમર વરસાદ શરૂ થયો અને સવાર સુધી ચાલુ રહેયો હતો. પશ્ચિમ અમદાવાદના બોપલ, ઘુમા, સરખેજથી માંડીને એસજી હાઈવે, થલતેજ, પકવાન, સોલા, સાયન્સ સિટી, ગોતા સુધીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો હતો.
પૂર્વ અમદાવાદના ઓઢવ, રામોલ, વસ્ત્રાલ, નિકોલ, નરોડા, બાપુનગર, અમરાઈવાડી, ઠક્કરબાપાનગર, હાથીજણ અને હાટકેશ્વર સુધીના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ હતો.
વરસાદ અને વિઝિબિલિટીને કારણે એસ. જી. હાઈવે સહીતના મુખ્ય માર્ગો પર વાહનચાલકોની ઝડપ ધીમી પડી ગઈ હતી.
પાટનગર ગાંધીનગરમાં પણ સેક્ટર-3,4,5,6 અને સેક્ટર - 7 સહીતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ શહેરમાં ચાલુ મોનસૂનમાં અત્યાર સુધીમાં સરેરાશ 24 ઈંચ વરસાદ નોંધાઈ ચુક્યો છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે વાતાવરણમાં સારી એવી ઠંડક પણ પ્રસરી છે. હવામાન વિભાગ મુજબ, આગામી કલાકોમાં પણ હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.